તાલુકાના આંકલવા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની જૂની અદાવતને લઈને ટ્રેક્ટરમાં લોખંડના સળિયા વડે તોડફોડ કરી યુવાનને ઢોર માર માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દામાવાવ પોલીસ મથકે નોંધાઈ છે. બનાવ અંગે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આંકલવા ગામના રૂપસિંગભાઈ પટેલિયાના પુત્ર નરેન્દ્રકુમાર ગત વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયા હતા. ત્યારથી આરોપી મુકેશભાઈ સાથે અદાવત હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
તા. 29 ઓગસ્ટના રોજ બપોરે આશરે એક વાગ્યાના સુમારે રૂપસિંગભાઈ પોતાના નવા ટ્રેક્ટરમાં ઈંટો ભરી ડ્રાઇવર ભારતભાઈ રાઠવા સાથે ગામની પ્રાથમિક શાળામાં શૌચાલયના બાંધકામ માટે ઈંટો ખાલી કરવા ગયા હતા. તે દરમિયાન મુકેશભાઈ નિતેશભાઈ રાઠવા, મહેન્દ્રભાઈ માવસિંગભાઈ રાઠવા, રાહુલભાઈ મહેન્દ્રભાઈ રાઠવા અને કમલેશભાઈ ભુપતભાઈ બારીઆ ત્યાં ટ્રેક્ટર લઈને આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદ મુજબ, ચારેય શખ્સોએ રૂપસિંગભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન તેમનો પુત્ર હસમુખકુમાર ત્યાં દોડી આવતા આરોપીઓએ શાળાની નજીક પડેલા લોખંડના સળિયાથી નવા ટ્રેક્ટરમાં તોડફોડ શરૂ કરી હતી.
હસમુખકુમારે ટ્રેક્ટરમાં તોડફોડ કરવાની ના પાડતાં ચારેય શખ્સોએ તેને પકડી ગડદાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બનાવ દરમિયાન આસપાસના લોકો દોડી આવતા આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સ્થળ પરથી ચાલ્યા ગયા હતા.
આ સમગ્ર બનાવ અંગે રૂપસિંગભાઈ પટેલિયાએ દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ટ્રેક્ટરમાં તોડફોડ, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
