ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, લાગણી અને વિશ્વાસનું પ્રતીક ગણાતા પવિત્ર રક્ષાબંધન પર્વની આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પર્વ નિમિત્તે વડોદરા જિલ્લાના સાવલીના સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાન પિતૃવાડી ખાતે પણ રક્ષાબંધનની ભવ્ય અને પ્રેમસભર ઉજવણી કરવામાં આવી હતી.
રક્ષાબંધનના પાવન અવસરે સાવલી નગર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહેનો પિતૃવાડી ખાતે પહોંચી હતી. બહેનોએ ધારાસભ્ય કેતન ઇનામદારના કપાળે કુમકુમ તિલક કરી તેમના દીર્ઘાયુ, સુખ, સમૃદ્ધિ અને સફળતા માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ બહેનોએ કેતન ઇનામદારના હાથે રક્ષાસૂત્ર બાંધી મોઢું મીઠું કરાવી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઉપરાંત ઇનામદાર પરિવારની બહેનોએ પણ પરિવારના બંને ભાઈઓ કેતન ઇનામદાર અને સંદીપ ઇનામદારને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી શુભકામનાઓ પાઠવી હતી.
રક્ષાબંધન પર્વની ઉજવણી દરમિયાન પિતૃવાડી ખાતે ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનો અનોખો માહોલ સર્જાયો હતો. અસંખ્ય બહેનોના પ્રેમ અને સ્નેહથી સમગ્ર પિતૃવાડી પ્રેમમય વાતાવરણથી છલકાઈ ઊઠી હતી.
રક્ષાબંધન માત્ર એક તહેવાર નહીં પરંતુ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને એકબીજાની રક્ષાના અતૂટ બંધનનું પ્રતીક હોવાનું આ પ્રસંગે જોવા મળ્યું હતું.
