ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મહંમદ સાહેબના જન્મદિન નિમિત્તે ઉજવાતા પવિત્ર પર્વ ઈદે મિલાદૂન્નબીની હાલોલ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ અને ધાર્મિક આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.
ઈદે મિલાદૂન્નબીના પાવન અવસરે હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઝુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝુલૂસ હાલોલ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ધાર્મિક એકતા, ભાઈચારો અને પયગંબર સાહેબ દ્વારા અપાયેલા માનવતાના સંદેશને ઉજાગર કર્યો હતો.
આ પ્રસંગે વડોદરા જુમ્મા મસ્જિદના ગાદીપતિ સૈયદ અમીરૂદ્દીન કાદરી બાવાના હસ્તે કેક કાપીને ઈદે મિલાદૂન્નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને નાગરિકો આ પવિત્ર ઉજવણીમાં જોડાયા હતા.

ઉજવણી દરમિયાન નાના બાળકો વિવિધ આકર્ષક ધાર્મિક અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા. બાળકોની મનમોહક વેશભૂષાએ સૌનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું અને સમગ્ર માહોલમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
ઈદે મિલાદૂન્નબી ઇસ્લામ ધર્મનો મહત્વપૂર્ણ ધાર્મિક પર્વ છે. આ દિવસ મહાન પયગંબર હઝરત મહંમદ સાહેબના જન્મદિન તરીકે શ્રદ્ધા અને આસ્થાપૂર્વક ઉજવવામાં આવે છે. આ અવસરે પયગંબર સાહેબે માનવજાતને આપેલા શાંતિ, પ્રેમ, ભાઈચારો, કરુણા, સત્ય અને માનવતાના સંદેશને યાદ કરવામાં આવે છે.

મુસ્લિમ સમાજ દ્વારા આ દિવસે ધાર્મિક કાર્યક્રમો, નાત-એ-શરીફ, જુલૂસ અને સામાજિક સેવા સહિતના કાર્યક્રમો યોજીને પયગંબર સાહેબના જીવન અને તેમના આદર્શોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. હાલોલમાં યોજાયેલી આ ઉજવણીએ પણ સર્વધર્મ સમભાવ અને કોમી એકતાનો સંદેશ આપ્યો હતો.
* મહાન પયગંબર હઝરત મહંમદ સાહેબના જન્મદિન નિમિત્તે ભવ્ય ઝુલૂસ; બાળકોની વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું
