મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ કોટેજ ચોકડી પાસે રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસે લઠ્ઠાકાંડમાં લોકોના જીવ ગુમાવવા છતાં ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી ન થવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. વિરોધ દરમિયાન, કાર્યકરોએ રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી અને સરકારની દારૂબંધીની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.આ વિરોધ પ્રદર્શનને કારણે વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. ઘટનાની જાણ થતાં લુણાવાડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. મહીસાગર કોંગ્રેસે આ મામલે કડક પગલાં ભરવાની માંગ કરી છે.
