કાલોલના સર્કલ ઓફિસરે એરાલ-વરવાડા માર્ગ પરથી ગેરકાયદેસર રીતે લાકડા ભરીને જઈ રહેલા એક ટેમ્પાને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.
સર્કલ ઓફિસર, કાલોલ દ્વારા એરાલ-વરવાડા રોડ પરથી પસાર થઈ રહેલા ટેમ્પો નંબર GJ-08-V-0496 ને શંકાને આધારે રોકવામાં આવ્યો હતો. વાહનની તપાસ કરતાં તેમાંથી ગેરકાયદેસર લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.લાકડાના જથ્થા અંગે પૂછપરછ કરતાં તે વેજલપુરના લુકમાન યુસુફભાઈ બગલીના હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, લાકડાની હેરફેર માટે જરૂરી કોઈ પાસ કે પરમિટ રજૂ કરી શક્યા ન હતા.
પરમિટ રજૂ ન કરી શકવાને કારણે, તંત્ર દ્વારા લાકડા ભરેલા ટેમ્પાને તાત્કાલિક ધોરણે કાલોલ મામલતદાર કચેરી ખાતે લાવીને સીઝ કરવામાં આવ્યો છે. હાલ મામલતદાર કચેરી દ્વારા આ મામલે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
