પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારની રજાઓમાં ઉમટતી શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને તેના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. જે. પટેલે જાહેરનામું બહાર પાડી આગામી બે માસ સુધીના તમામ રવિવારે પાવાગઢ તરફ જતા ખાનગી વાહનોના પ્રવેશ પર નિયંત્રણો લાદ્યા છે. આ જાહેરનામું 19 ઓક્ટોબર 2026 સુધીના તમામ રવિવારે અમલમાં રહેશે.જાહેરનામા મુજબ, તળેટીથી માચી સુધીના માર્ગ પર માત્ર સરકારી એસ.ટી. બસો, સરકારી વાહનો અને પાવાગઢ ગામની કાયમી ટેક્સી પાસિંગ ધરાવતી ગાડીઓને જ અવરજવરની મંજૂરી મળશે. ખાનગી ભારે અને હળવા વાહનોને માચી ખાતે ઉપલબ્ધ પાર્કિંગની ક્ષમતા મુજબ પ્રવેશ આપવામાં આવશે. એક સમયે કુલ 45 જેટલા વાહનોને ‘વહેલા તે પહેલાં’ના ધોરણે ટોકન આપી ઉપર જવાની મંજૂરી અપાશે. માચીનું પાર્કિંગ ભરાઈ જશે તો કોઈપણ ખાનગી વાહનને તળેટીથી ઉપર જવા દેવામાં આવશે નહીં.આ ઉપરાંત, હાલોલ ટીમ્બી ત્રણ રસ્તા, જેપુરા ચોકડી, વડાતળાવ ચોકડી, ઢીંકવા ચોકડી અને ધનકુવા ચોકડીથી પાવાગઢ તરફ પ્રવેશતા ખાનગી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે.
માચીથી દુધિયા તળાવ સુધીના માર્ગ પર પશુઓ દ્વારા માલસામાનનું વહન કરવા તેમજ પશુઓ દોરીને જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જોકે, આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરતા વાહનો, એસ.ટી. બસો, સરકારી ફરજ પરના વાહનો અને એમ્બ્યુલન્સ જેવી આરોગ્ય સેવાઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.તંત્રએ પાવાગઢમાં ખાનગી પાર્કિંગ સંચાલકોને પણ સૂચના આપી છે કે પાવાગઢ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલા દર કરતાં વધુ ચાર્જ વસૂલવો નહીં. ખેતીની જમીન પર ખાનગી પાર્કિંગ કરવા માટે જમીનના કબજેદારે જરૂરી પૂર્વ પરવાનગી લેવી પડશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
