(પ્રતિનિધિ ગોકુળ પંચાલ)
ઘોઘંબા તાલુકાના પ્રાચીન પરોલી તીર્થ ખાતે અચલગચ્છાધિપતિ અને જિનશાસન શિરોમણી પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે ભવ્ય ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા. ગુરુભક્તિ, સેવા, સંસ્કાર અને સમભાવના આ પાવન પ્રસંગે પરોલી સહિત સમગ્ર પંચમહાલ પંથક ભક્તિના રંગે રંગાયું હતું.
સવારે ગામના વિવિધ ધર્મસ્થળોનાં દર્શન બાદ ભવ્ય સમભાવ યાત્રા યોજાઈ હતી. બેન્ડ પાર્ટીના ઢોલ-શરણાઈના નાદ, કલશધારી બહેનોની ઉપસ્થિતિ અને ભગવાન શ્રી નેમિનાથ પરમાત્માના જયઘોષ વચ્ચે નીકળેલી યાત્રાથી સમગ્ર પરોલી નગર ગુરુ ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. યાત્રા દરમિયાન ભક્તોનો ગુરુપ્રેમ અને શ્રદ્ધા અદભુત રીતે જોવા મળ્યા હતા.

સમભાવ યાત્રામાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ, પાવાગઢ જૈન તીર્થના સેવાભાવી મુનિશ્રી પૂર્ણચંદ્રવિજયજી મહારાજસાહેબ તથા ગુરુ ગુણોદયના પ્રભાવક શિષ્યરત્ન મુનિશ્રી પ્રિયંકરસાગરજી મહારાજસાહેબની પાવન ઉપસ્થિતિ રહી હતી.
પ્રવચન પ્રસંગે મુનિશ્રી પ્રિયંકરસાગરજી મહારાજસાહેબે ગુરુ ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબના જીવન, સાધના, તપશ્ચર્યા તથા સમાજ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમના ગુણગાન કર્યા હતા. કરોડ, લાલપરી, પરોલી, રામપુરવાડી, ગોધરા-ઘોઘંબા સહિત પંચમહાલના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

ભજન, સ્તવન અને કીર્તનના સંગીતમય કાર્યક્રમમાં આબાલવૃદ્ધ સૌએ ભાવપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિની રમઝટ અને ગુરુભક્તિના માહોલથી પરોલી તીર્થનું વાતાવરણ આધ્યાત્મિક ઉલ્લાસથી ભરાઈ ગયું હતું.
આ પ્રસંગે અમદાવાદના દિલીપભાઈ બારભયાએ પૂજ્ય ગુરુદેવના ગુણોને સ્મરણમાં લઈ પંચમહાલ વિસ્તારનાં ગામોમાં જીવદયા પ્રવૃત્તિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે યોગદાનની જાહેરાત કરી હતી. ઉપરાંત પરોલી અને આસપાસના વિસ્તારની જરૂરિયાતમંદ વિધવા બહેનોને સાડી અર્પણ કરવાનો સેવાકીય કાર્યક્રમ પણ યોજાયો હતો.
પરોલી ગામના ઉપસરપંચ રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, લાલપરી ગામના ઈશ્વરભાઈ, ફરોડ ગામના સરપંચ ગણપતભાઈ સહિત વિવિધ ગામોના આગેવાનોએ મુનિ ભગવંતોના પાવન પદાર્પણથી વિસ્તારમાં ધર્મ અને સંસ્કૃતિની જાગૃતિને નવું બળ મળ્યું હોવાનું જણાવ્યું હતું. સાથે જ જૈન સાધુ-સાધ્વીઓના વધુમાં વધુ પાવન પદાર્પણ અને ધાર્મિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી હતી.

ચાતુમાસના મુખ્ય દાતા પરિવાર માતુશ્રી સંઘમાતા વિજયાબેન તલાવીશ પરિવાર તથા અન્ય દાતા પરિવારો દ્વારા ઉપસ્થિત ભાવિકો માટે સાધર્મિક ભક્તિનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ગુરુ ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની સ્મૃતિમાં યોજાયેલો સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સેવા, સંસ્કાર અને સમભાવનો અનોખો સંગમ બની રહ્યો હતો. પરોલી તીર્થ સહિત સમગ્ર પંચમહાલના ભાવિકોમાં ગુરુભક્તિ અને ધર્મભાવનાનો વિશેષ ઉલ્લાસ જોવા મળ્યો હતો.

