રાજગઢ, પંચમહાલ: રાજગઢ પોલીસની સતર્કતા અને જાંબાઝ કામગીરીના પગલે મોટરસાયકલ ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પેટ્રોલિંગ દરમિયાન એક ચોરીની મોટરસાયકલ સાથે ઝડપાયેલા બે શખ્સોની સઘન પૂછપરછ કરતાં રાજગઢ, કાલોલ અને વેજલપુર પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી કરાયેલી કુલ 8 મોટરસાયકલ, રૂ.2.90 લાખની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના અને કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નવીન આહીરના માર્ગદર્શન હેઠળ રાજગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ગઢવી અને તેમની ટીમ વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગમાં હતી.

દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ગઢવીને બાતમી મળી હતી કે, નંબર વગરની કાળા રંગની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બે શખ્સ ધનેશ્વર ગામ તરફથી ઘોઘંબા તરફ જઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસ ટીમે ધનેશ્વર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ મોટરસાયકલ આવતા પોલીસે તેને અટકાવી વાહનના સાધનિક કાગળો માંગ્યા હતા, પરંતુ કાગળો મળી આવ્યા નહોતા.
પોલીસે બંને શખ્સોની સઘન પૂછપરછ કરતાં આ મોટરસાયકલ આશરે ત્રણ મહિના અગાઉ કાલોલ પોલીસ મથક વિસ્તારના ફતેપુરી ગામેથી લગ્નના વરઘોડા દરમિયાન ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં ચોરીની વધુ સાત મોટરસાયકલ મળી આવી હતી.
પોલીસે કબજે કરેલી મોટરસાયકલો:
કાલોલ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલી હીરો સ્પ્લેન્ડર બે મોટરસાયકલ, કિંમત રૂ.50 હજાર; વેજલપુર વિસ્તારમાંથી ચોરાયેલી બે હીરો સ્પ્લેન્ડર, કિંમત રૂ.90 હજાર; જ્યારે રાજગઢ વિસ્તારમાંથી ચોરાયેલી ત્રણ હીરો સ્પ્લેન્ડર તથા એક એચ.એફ. ડીલક્સ સહિત ચાર મોટરસાયકલ, કિંમત રૂ.1.50 લાખ મળી કુલ રૂ.2.90 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસે સુનીલભાઈ ભરતભાઈ પરમાર, રહે. ધનેશ્વર; હિતેશભાઈ મહેન્દ્રભાઈ બારીયા, રહે. માળ ફળિયું, ઘોઘંબા; સચિનભાઈ રમેશભાઈ પરમાર, રહે. ધનેશ્વર-ફુલવાડી ફળિયું તથા વનરાજભાઈ ઉર્ફે બાબરો નરવતભાઈ ચૌહાણ, રહે. વાછાવાડ, તા. કાલોલને ઝડપી પાડ્યા છે.
પોલીસ તપાસમાં આરોપીઓ એકબીજાની મદદથી ભીડભાડવાળા સ્થળો તેમજ ખાસ કરીને રાત્રિના લગ્ન પ્રસંગોમાં જઈ તક જોઈને મોટરસાયકલ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું સામે આવ્યું છે.
રાજગઢ પોલીસની આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. ચંપકસિંહ ઇશ્વરસિંહ તથા પોલીસ કર્મચારીઓ દેવરાજસિંહ નરવતસિંહ, અનીલકુમાર દલપતસિંહ, રાજેન્દ્રસિંહ ગુલાબસિંહ અને રાહુલકુમાર શંકરભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
રાજગઢ પોલીસની આ સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી માત્ર એક ચોરીનો ભેદ ઉકેલાયો નથી, પરંતુ ત્રણ પોલીસ મથક વિસ્તારોમાંથી ચોરાયેલી કુલ આઠ મોટરસાયકલો પણ પરત મળી આવી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે સમગ્ર ચોરીના નેટવર્ક સુધી પહોંચનાર રાજગઢ પોલીસની ટીમની કામગીરી ખરેખર પ્રશંસનીય અને જાંબાઝ કહી શકાય તેવી છે.
