પંચમહાલ જિલ્લામાં વન અધિકાર અધિનિયમ હેઠળ આદિવાસી અને પરંપરાગત ખેડૂતોને કાયમી ખેડાણ હક્ક આપવા અંગે એકલવ્ય સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જિલ્લામાં નોંધાયેલા ૨૯,૦૩૪ દાવાઓમાંથી જૂન ૨૦૧૬ સુધીમાં માત્ર ૪,૭૭૧ દાવા મંજૂર કરાયા છે, જ્યારે ૧૬,૨૬૩ અરજીઓ પર હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આવેદનમાં આક્ષેપ કરાયો છે કે મંજૂર થયેલા દાવામાં પણ વાસ્તવિક કબ્જા કરતાં ઓછી જમીન ફાળવાઈ છે તેમજ સમયસર નોટિસ ન મળતાં ઘણા ખેડૂતો અપીલના હક્કથી વંચિત રહ્યા છે.આ ઉપરાંત, જરૂરી પુરાવા અને ૩ પેઢીના પેઢીનામા હોવા છતાં અરજીઓ ફગાવી દેવાઈ છે તથા હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ માત્ર સેટેલાઈટ ઈમેજરીના આધારે દાવા ના મંજૂર કરાયા હોવાના સવાલો ઉઠ્યા છે.

સંગઠને માંગ કરી છે કે ના મંજૂર થયેલા તમામ દાવા રીઓપન કરી પુનઃ સમીક્ષા કરવામાં આવે, રહી ગયેલા ખેડૂતો માટે નવો પરિપત્ર બહાર પાડી અરજીઓ સ્વીકારાય અને ખેડૂતોને વાસ્તવિક કબ્જા મુજબ સનદ આપી વ્યક્તિગત ૭/૧૨ માં નામ દાખલ કરવામાં આવે.
