મહીસાગર જિલ્લાના લુણાવાડા – સંતરામપુર રોડ પર આવેલા રાફાઈ ગામ નજીક આજે એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. દર્દીની સારવાર અર્થે લુણાવાડા જઈ રહેલી કાર અને દૂધના ટેન્કર વચ્ચે સર્જાયેલી ભયાનક ટક્કરમાં કારમાં સવાર ૩ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. આ કાળજું કંપાવી દે તેવી ઘટનાથી સમગ્ર વિસ્તાર સહિત મૃતકોના વતનમાં અરેરાટી સાથે ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પ્રજાપતિ સમાજના પરિવારજનો પોતાની કાર લઈને લુણાવાડા ખાતે હોસ્પિટલના કામે જઈ રહ્યા હતા. આ દરમિયાન રાફાઈ ગામ નજીક સામેથી આવી રહેલા દૂધના વાહન (ટેન્કર) સાથે કારની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કૂચડો વળી ગયો હતો અને તેમાં સવાર ત્રણેય વ્યક્તિઓએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
અકસ્માતની જાણ થતાં જ લુણાવાડા તાલુકા પોલીસ, સંતરામપુર પોલીસ તેમજ સંતરામપુર નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભયાનક અકસ્માતને કારણે લુણાવાડા-સંતરામપુર માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
પોલીસે કારના નંબરના આધારે તપાસ ચલાવી મૃતકોના પરિવારજનોને બનાવ અંગે જાણ કરી હતી. ત્યારબાદ તમામ મૃતદેહોને પંચનામું કરી પોસ્ટમોર્ટમ (PM) અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે સંતરામપુર પોલીસે મૃતકોના સગા-સંબંધીઓની ફરિયાદના આધારે દૂધના ટેન્કર ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં અને કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસ દ્વારા કાનૂની તજવીજ ચાલુ છે. બીજી તરફ ફતેપુરા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોના અચાનક અવસાનના સમાચાર પહોંચતા જ ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતકોના નામ:
સવિતાબેન કાલુભાઈ પ્રજાપતિ (રહે. ફતેપુરા, જી. દાહોદ)
પુષ્પાબેન પ્રશાંતભાઈ પ્રજાપતિ (રહે. ફતેપુરા, જી. દાહોદ)
હાર્દિકભાઈ પ્રશાંતભાઈ પ્રજાપતિ (રહે. ફતેપુરા, જી. દાહોદ)
