કાલોલ-ગોધરા હાઈવે પર હિંમતપુરા બસ્ટેન્ડ નજીક અકસ્માત : સાંસદે 108 બોલાવી યુવાનોને હોસ્પિટલ પહોંચાડ્યા
કાલોલ-ગોધરા હાઈવે પર હિંમતપુરા બસ્ટેન્ડ નજીક આજે બેઢીયાં ગામના બે યુવાનો અકસ્માતનો ભોગ બનતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દરમિયાન પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર અકસ્માતગ્રસ્ત યુવાનો પર પડતાં તેમણે તાત્કાલિક પોતાનું વાહન રોકી માનવતાની ફરજ નિભાવી બંને યુવાનોની મદદે દોડી ગયા હતા.
સાંસદ રાજપાલસિંહ જાદવે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી બંને ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી. સાથે જ તેમણે યુવાનોના પરિવારજનોનો સંપર્ક કરી અકસ્માતની જાણ પણ કરી હતી.

યુવાનોને હોસ્પિટલમાં પહોંચાડ્યા બાદ પણ સાંસદે તબીબો સાથે વાતચીત કરી જરૂરી સારવાર અને તમામ મદદની વ્યવસ્થા અંગે તાકીદ કરી હતી. અકસ્માતના સમયે કોઈ પણ પ્રકારના પ્રોટોકોલ કે ઔપચારિકતાની રાહ જોયા વિના સાંસદે પોતે આગળ આવી ઇજાગ્રસ્તોની મદદ કરવાના પગલાંની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે.
અકસ્મતના સમયે માનવતાના ધર્મે આગળ આવી તાત્કાલિક મદદ કરનાર સાંસદ રાજપાલસિંહ જાદવની કામગીરી માનવતાસભર નેતૃત્વનું ઉદાહરણ બની રહી છે.
માનવતા જ સાચા નેતૃત્વની ઓળખ.
