ગોધરા તા.
લીમખેડા તાલુકાના પરપટા (નવીન ઉયડા) સ્થિત સરકારી પ્રાથમિક શાળાના નવા બની રહેલા મકાનના બાંધકામમાં કોન્ટ્રાક્ટર અને એજન્સીની ગંભીર બેદરકારી સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. વિસ્તારમાં વરસી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે પણ જવાબદારો દ્વારા શાળાની છત (ધાબું) ભરવાનું કામ ચાલુ રખાતા બાંધકામની મજબૂતી અને લોંગ-લાઇફ સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.
તકનીકી દ્રષ્ટિએ ચાલુ વરસાદમાં કોંક્રિટીકરણ (આર.સી.સી. સ્લેબ) કરવાથી સિમેન્ટ, રેતી અને કાંકરીનું નિર્ધારિત મિશ્રણ પાણીમાં ધોવાઈ જાય છે. વરસાદી પાણી ભળવાથી સિમેન્ટનું બંધારણ નબળું પડે છે, જેના કારણે ભવિષ્યમાં ધાબું લીક થવાની, પોપડા ખરવાની કે સ્લેબ ધરાશાયી થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. નાના માસૂમ બાળકો જ્યાં અભ્યાસ કરવાના છે તેવા શાળાના મકાનમાં આવી બેદરકારી બાળકોની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો કરી રહી છે.

વરસાદમાં કામ ચાલુ રાખવા અંગે સ્થળ પર હાજર સુપરવાઈઝરની પૂછપરછ કરતા તેમણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. એટલું જ નહીં, પોતાની પાસે કોન્ટ્રાક્ટરનો સંપર્ક નંબર પણ ન હોવાનું હાસ્યાસ્પદ બહાનું બતાવી તેમણે જવાબદારીમાંથી છટકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જેથી સુપરવાઈઝર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ગામના જાગૃત નાગરિકો અને વાલીઓમાં આ નબળી કામગીરીને લઈને ભારે રોષ વ્યાપી ગયો છે. ગ્રામજનોએ શિક્ષણ વિભાગ, તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી પાસે માંગ કરી છે કે તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે ટીમને મોકલી તપાસ હાથ ધરવામાં આવે.
વરસાદમાં ભરાયેલા આ નબળી ગુણવત્તાવાળા સ્લેબનું કવોલિટી ટેસ્ટિંગ કરવામાં આવે.
નિયમોનું ઉલ્લંઘન કરનાર બેદરકાર કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. તેમજ બેદરકાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી સુપરવાઈઝર સામે કડક શિસ્તભંગના પગલાં લેવાય.
