પ્રતિનિધિ વનરાજસિંહ ખાંટ, માલપુર
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના જલઈ ગામે તા. 27 જુલાઈના રોજ હજૂર બાબા સાવન સિંહજી મહારાજના 168મા પ્રકાશ પર્વ નિમિત્તે સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા ભવ્ય સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અરવલ્લી, મહીસાગર અને પંચમહાલ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સંતમતના પ્રખર વક્તા લલીત સાહેબે મનુષ્ય જન્મનો હેતુ, ધર્મનો સાચો મર્મ, ગુરુભક્તિનું મહત્ત્વ, નામસ્મરણનો મહિમા તેમજ પરમાત્માની પ્રાપ્તિના માર્ગ અંગે પ્રેરણાદાયી સત્સંગ પ્રવચન આપ્યું હતું. તેમના આધ્યાત્મિક વિચારોને શ્રવણ કરી ઉપસ્થિત શ્રદ્ધાળુઓ ભક્તિરસમાં તરબોળ બની ગયા હતા.
આ પ્રસંગે સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને 410 ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે 45 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા હતા.
ઉપરાંત આયુર્વેદિક અને એલોપેથીક તબીબોની ટીમ દ્વારા દર્દીઓનું આરોગ્ય પરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અને સારવાર આપવામાં આવી હતી. આધ્યાત્મિકતા અને માનવસેવાનો સુંદર સમન્વય રજૂ કરતો આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
