(મયુર જાની)
ગોધરા તાલુકાના પઢીયાર ગામે પ્રાથમિક સુવિધાઓના અભાવે અને પંચાયતની કામગીરી સામે રોષે ભરાયેલી મહિલાઓએ ગ્રામસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો. તારીખ ૨૮ જુલાઈ ૨૦૨૬ના રોજ ૧૬મા નાણાંપંચના કામોના ઠરાવો કરવા માટે આયોજિત ગ્રામસભામાં મહિલાઓએ રસ્તા જેવી પ્રાથમિક સમસ્યા મુદ્દે પંચાયતનો ઉધડો લીધો હતો. મહિલાઓનો મુખ્ય આક્ષેપ એ છે કે પંચાયતના દ્વારા ફળિયામાં ૧૦૦ ટ્રેક્ટર માટી નાખવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ હકીકતમાં ફક્ત થોડા જ ટ્રેક્ટર માટી નાખીને કામ અધવચ્ચે છોડી દેવામાં આવ્યું છે જેના કારણે ચોમાસામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વિકસિત ભારત 2047ના સપના વચ્ચે પઢીયાર ગામના મગજીના મુવાળા અને કરણના મુવાડા અને વિસ્તારના લોકો જ્યારથી વસવાટ કરે છે ત્યારથી પાકા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. અધૂરા માટીકામના કારણે હાલ ચોમાસાની ઋતુમાં સમગ્ર વિસ્તારમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને લોકો તેમાં રહેવા મજબૂર બન્યા છે. રસ્તાની બિસ્માર હાલતના કારણે ગ્રામજનો પોતાના ખાનગી વાહનો ઘર સુધી લઈ જઈ શકતા નથી. એટલું જ નહીં, આકસ્મિક બીમારી કે ઈમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ પણ ફળિયામાં પ્રવેશી શકતી ન હોવાથી લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.
પઢીયાર ગ્રામ પંચાયત ખાતે આગામી વિકાસના કામોના ઠરાવ માટે બોલાવવામાં આવેલી આ ગ્રામસભા અંગે ગામના ઘણા લોકોને અગાઉથી જાણ ન હોવાથી આગેવાનો અને ગ્રામજનો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી તે જ સમયે મહિલાઓએ એકત્ર થઈને રસ્તા અને માટી નાખવાના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. મહિલાઓના વિરોધ અને નિયમ મુજબ જરૂરી ૧૦ ટકા મતદારોની હાજરી ન હોવાના કારણે અંતે આગેવાનોએ આ ગ્રામસભા મુલતવી રાખવાની ફરજ પડી હતી. હવે આ મુલતવી રખાયેલી ગ્રામસભા આગામી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
