પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના આંબલીખેડા ગામે ખેતીકામ દરમિયાન કરંટ લાગતાં એક ખેડૂતનું કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. રાજગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને આપવામાં આવેલી જાહેરાત મુજબ, આંબલીખેડા ગામના નિશાળ ફળિયામાં રહેતા સુરેશભાઈ પ્રભાતસિંહ પરમારે જણાવ્યું હતું કે તેઓ પોતાના નાના ભાઈ રાજેશભાઈ પ્રભાતસિંહ પરમાર (ઉ.વ. 42) સાથે સવારે આશરે 9 વાગ્યે ડાંગરની ધરુવાડીમાં પાણી છોડવા માટે ખેતરે ગયા હતા.
દરમિયાન સુરેશભાઈ પાણીની પાઇપ લંબાવી રહ્યા હતા, જ્યારે રાજેશભાઈ ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા ગયા હતા. તે સમયે અચાનક તેમને વીજ કરંટ લાગતાં તેઓ બુમો પાડી જમીન પર ઢળી પડ્યા હતા. સુરેશભાઈ તાત્કાલિક દોડી જઈ લાકડાના ફટકાની મદદથી રાજેશભાઈને વીજ વાયરથી અલગ કર્યા હતા.
ત્યારબાદ નજીકના ખેતરમાં કામ કરતા ખેડૂતોને બોલાવી રાજેશભાઈને ઝૂંપડાં નીચે લાવવામાં આવ્યા હતા અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને ઘોઘંબા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવ અંગે રાજગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલના મડદા કોટડીમાં રાખી અકસ્માત મોત અંગે નોંધ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ખેતીકામ દરમિયાન વીજ કરંટ લાગવાના કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાના તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે.
