અવધ એક્સપ્રેસ | યાસીર ગુડાલા
ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના તળાવ ફળિયામાં રહેતા ખેડૂત રવિન્દ્રભાઈ ચેતનભાઈ ડામોરનો સૂકો ઘાસચારો અગમ્ય કારણોસર લાગેલી આકસ્મિક આગમાં બળીને ખાક થઈ ગયો છે. આ ઘટનામાં ખેડૂતને અંદાજે ₹૫૦,૦૦૦ ની આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી મુજબ, તળાવ ફળિયામાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હેન્ડપંપ તથા પાણીના ટેન્કરની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ખેડૂતનો મોંઘા ભાવનો ઘાસચારો બળીને રાખ થઈ જતાં તેમને મોટું નુકસાન થયું છે. ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો અને અસરગ્રસ્ત ખેડૂત દ્વારા સંબંધિત ગ્રામપંચાયત તથા જવાબદાર વહીવટી તંત્ર પાસે વહેલી તકે નુકસાનીનો સર્વે કરાવી નિયમાનુસાર સરકારી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

