(યાસીર ગુડાલા, ફતેપુરા)
ફતેપુરા તાલુકાના બલૈયા ચોકડીથી ઉખરેલી રોડ નજીક આવેલા વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી ગંદા પાણીનો ભરાવો થતાં વેપારીઓ અને સ્થાનિક રહીશોની હાલત અત્યંત કફોડી બની છે. એક તરફ વેપારીઓ મંદીના મારનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ દિવાળીનો તહેવાર પૂર્ણ થવા છતાં, રસ્તા પર ભરાયેલા ગંદા પાણીને કારણે ગ્રાહકો બજારમાં આવી શકતા નથી. રસ્તા ખોદી નાખીને કામ અધૂરું મૂકી દેવામાં આવતા વેપારીઓ છેલ્લા ૩ મહિનાથી ધંધા-રોજગાર વગર ભારે આર્થિક નુકસાન અને હાલાકીનો સામનો કરી રહ્યા છે.
આરોગ્ય વિભાગની નોટિસ છતાં તંત્ર ઘોર નિદ્રામાં:આ મામલે તાલુકા આરોગ્ય અધિકારી, ફતેપુરા દ્વારા તા. ૧૦/૧૧/૨૦૨૬ ના રોજ ‘ગ્રામમાં સ્વચ્છતા જાળવી રાખવા બાબત’ નો પત્ર પાઠવીને ગ્રામ પંચાયતને સ્પષ્ટ ચેતવણી અને સૂચના આપવામાં આવી છે. નોટિસમાં જણાવાયું છે કે ગટર-નાળાઓમાંથી ઉભરાતા પાણી રોડ-રસ્તામાં ભરાઈ રહેતા પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેલી છે, જેમાં ઝાડા, ઉલટી, કોલેરા, ડેન્ગ્યુ જેવા રોગો થઈ શકે છે. આમ છતાં, તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
પંચાયતોની હદનો વિવાદ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો આક્ષેપ: સ્થાનિક વેપારી અગ્રવાલ કલ્પેશકુમાર પુરણમલ અને રહીશ નાનાલાલ સાગરમલ અગ્રવાલે તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વારંવારની રજૂઆતો પછી પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. રોડના કામ દરમિયાન ૫૦ થી ૬૦ વર્ષ જૂના નાળા ખોદી કાઢવામાં આવ્યા છે, પરંતુ ત્રણ મહિના વીતી ગયા છતાં નવા નાળા કે રસ્તાનું કામ પૂર્ણ કરાયું નથી. નાયકવાડા વિસ્તારમાંથી આવતું ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું છે. આ વિસ્તાર ફતેપુરા અને કરોડિયા ગ્રામ પંચાયતની હદમાં આવતો હોવાથી બંને પંચાયતો એકબીજા પર જવાબદારી ઢોળી રહી છે.જ્યારે કોન્ટ્રાક્ટર મજૂરો ન હોવાના બહાના બતાવી ‘બે દિવસમાં કામ શરૂ થશે’ તેવા ખોટા આશ્વાસનો આપી રહ્યો છે.

તંત્ર અને અધિકારીઓની નિષ્ફળતા, માત્ર દેખાવ પૂરતા આશ્વાસનો આપતા હોવાનો આક્ષેપ:તંત્ર અને જવાબદાર અધિકારીઓ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે અને માત્ર દેખાવ પૂરતા આશ્વાસનો આપતા હોવાની ફરિયાદ ઉઠી છે.
આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટર, DDO અને CDHO (દાહોદ) ને પણ જાણ કરવામાં આવી હોવા છતાં સ્થિતિ જૈસે થે વૈસે (જેવી હતી તેવી જ) છે. બીજી તરફ, કોન્ટ્રાક્ટર પણ મજૂરો ન હોવાના બહાના બતાવી ‘બે દિવસમાં કામ શરૂ થશે’ તેવા ખોટા વાયદા કરી રહ્યો છે અને અધૂરું કામ મૂકીને જતો રહ્યો છે.
પાણીના ગરકાવથી રોગચાળાનો ભય અને વાહનચાલકોને હાલાકી: રસ્તા પર પાણીના ગરકાવ અને ખોદેલા રસ્તાના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સતત ભરાઈ રહેતા ગંદા પાણી અને ગંદકીને કારણે ઘરો અને દુકાનો આગળ ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, જેનાથી નાના બાળકો અને રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતત વધી રહ્યો છે.
ત્રણ મહિનાથી ભારે હાલાકી વેઠી રહેલા ફતેપુરા અને કરોડિયા ગ્રામ પંચાયતની હદમાં આવતા સ્થાનિકો તથા વેપારીઓએ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. હવે આ અધૂરા રસ્તાનું અને નાળાનું કામ ક્યારે પૂર્ણ થશે અને કેટલા સમયમાં આ સમસ્યાનું નિરાકરણ આવશે તેના પર સૌની નજર મંડાયેલી છે.

