યાસીર ગુડાલા | ફતેપુરા
ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત હેઠળની IRC કોલોની (વોર્ડ નં. ૪) માં છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. રોડના કામકાજ બાદ નળમાં પાણી આવતું બંધ થઈ જતાં રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, ત્રણ મહિનામાં માત્ર એક દિવસ પાણીનું ટેન્કર મોકલવામાં આવ્યું હતું, ત્યારબાદ ડીઝલના પૈસા ન હોવાનું કારણ આપી ટેન્કર સેવા પણ બંધ કરી દેવાઈ છે. પાણી માટે મહિલાઓ અને પરિવારોને દૂર સુધી ભટકવાની ફરજ પડી રહી છે.
પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓ અને બાળકીઓએ ખાલી હાંડા-માટલાં સાથે વિરોધ નોંધાવી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક રહીશોએ ચીમકી આપી છે કે આગામી બે દિવસમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ગ્રામ પંચાયત કચેરીનો ઘેરાવ કરી ધરણાં અને ભૂખ હડતાળ કરવામાં આવશે.
હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનોના આક્રોશ બાદ જવાબદાર તંત્ર જાગે છે કે પછી વોર્ડ નં. ૪ ના રહીશોને હજુ પણ પાણી માટે વલખાં મારવા પડશે?
* રોડના કામ બાદ પાણી પુરવઠો ખોરવાયો, ખાલી હાંડા-માટલા સાથે મહિલાઓનો વિરોધ; સમસ્યા નહીં ઉકેલાય તો પંચાયતનો ઘેરાવ અને ભૂખ હડતાળની ચીમકી

