અવધ એક્સપ્રેસ, તા.૨૨
ગઢ ભીખાપુરા પંથકમાં બાબા રામદેવપીર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમાન ૧૧મો પગપાળા સંઘ ભાઈબીજના પવિત્ર દિવસે ગઢ ભીખાપુરાથી રામદેવરા જવા માટે રવાના થયો હતો. આ સંઘમાં ગઢ ભીખાપુરા પંથકના આશરે ૮૦ જેટલા યુવકો જોડાયા છે, જેઓ સતત ૧૪ દિવસ સુધી પગપાળા પ્રવાસ કરીને આશરે ૭૫૦કિલોમીટરનું અંતર કાપી સોમવાર, તા. ૨૩નવેમ્બર ૨૦૨૬ના રોજ રામદેવરા પહોંચશે.
બાબા રામદેવપીર પ્રત્યેની અખૂટ શ્રદ્ધા, ભક્તિ અને સંકલ્પ સાથે નીકળેલા આ યુવકોએ લાંબી અને કઠિન પદયાત્રા દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પોતાની યાત્રા પૂર્ણતાના આરે પહોંચાડી છે. ૭૫૦ કિલોમીટરની આ પદયાત્રા માત્ર અંતર કાપવાની યાત્રા નહીં, પરંતુ શ્રદ્ધા, સંકલ્પ, એકતા અને ભાઈચારાની ભાવનાનું પ્રતીક બની રહી છે. રામદેવરા પહોંચ્યા બાદ તમામ પદયાત્રીઓ ત્યાં આવેલી ધર્મશાળામાં રોકાણ કરશે. રાત્રિના સમયે ધાર્મિક પરંપરા મુજબ પાટ પ્રકાશનો કાર્યક્રમ યોજાશે, જેમાં સંઘના તમામ સભ્યો ભક્તિ ભાવપૂર્વક જોડાશે.
આ ધાર્મિક યાત્રામાં પદયાત્રીઓ ઉપરાંત ગઢ ભીખાપુરા પંથકમાંથી એક બસ, ૩૦ થી ૩૫ જેટલી કાર તેમજ બાઈક સહિતનો મોટો કાફલો પણ રામદેવરા જવા માટે રવાના થયો છે. જેના કારણે સમગ્ર પંથકમાં બાબા રામદેવપીરના દર્શન અને નેજા ચઢાવવાના કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
મંગળવાર, તા. ૨૪ નવેમ્બર ૨૦૨૬ના રોજ પૂનમના પવિત્ર દિવસે તમામ પદયાત્રીઓ અને રામદેવપીરના ભક્તો એકત્રિત થઈ રામદેવરા ખાતે આવેલા બાબા રામદેવપીરના સમાધિ મંદિરે પરંપરાગત રીતે નેજા ચઢાવશે અને બાબાના દર્શન કરી ધન્યતા અનુભવશે.
ગઢ ભીખાપુરા પંથકમાંથી સતત ૧૧મા વર્ષે નીકળેલો આ પગપાળા સંઘ યુવાનોમાં ધાર્મિક આસ્થા, સંગઠનશક્તિ અને સામૂહિક એકતાની ભાવનાને ઉજાગર કરી રહ્યો છે. ૧૪ દિવસની લાંબી પદયાત્રા પૂર્ણ કરીને રામદેવપીરના દરબારમાં પહોંચનાર તમામ યાત્રિકો માટે આ ક્ષણ યાદગાર બની રહેશે.
