અવધ એક્સપ્રેસ | ડેસર
આજ રોજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટી ખાતે વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સીટી જુડો મહિલા ટુર્નામેન્ટનો ભવ્ય ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર વેસ્ટ ઝોનના જુદાજુદા રાજ્યોની કુલ ૬૨ યુનિવર્સીટીની ૨૯૭ જેટલી મહિલા ખેલાડીઓ અને ૨૨૪ જેટલા કોચ/મેનેજર મળીને કુલ ૫૨૧ જેટલી મહિલા ખેલાડીઓ અને કોચ/મેનેજરશ્રીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમની શરૂઆત ભવ્ય માર્ચ પાસ્ટથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટીના કુલપતિ ડૉ. મનીષ રાવલ, અતિથિ વિશેષ તરીકે એડવોકેટ નિમિષા ધોત્રે પટેલ (વાઈસ ચેરપર્સન – બાર કાઉન્સીલ ઓફ ગુજરાત), AIU ઓબ્ઝર્વર ડૉ. રાજેશ પ્રતાપ સિંઘ – કાનપુર યુનિવર્સીટી, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટીના ફિઝીકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ડાયરેક્ટર પ્રો. ડૉ. રણછોડ રથવી, પ્રો. ડૉ. જયદીપસિંહ ચૌહાણ, ડૉ. યજુવેન્દ્રસિંહ જેઠવા, ડૉ. રવિન્દ્રસિંઘ રાજપુરોહિત, ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી – ડૉ. હરીશ વનાર અને ટેકનીકલ ડાયરેક્ટર શ્રી અરુણ દ્યુવેદીજી હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને સ્વાગત પ્રવચન પ્રો. ડૉ. રણછોડ રથવીએ કર્યું હતું. આ સમગ્ર સ્પર્ધા તા. ૨૧/૧૧/૨૦૨૬ અને ૨૨/૧૧/૨૦૨૬ સુધી ચાલશે. આ સમગ્ર સ્પર્ધામાં ટેકનીકલ કમિટીના અધ્યક્ષ અરુણ દ્યુવેદીજી અને સ્ટેટ જુડો એશોસિએશનની ટેકનીકલ કમિટી સમગ્ર સ્પર્ધાનું ઓફિસીટીંગ કરશે.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડૉ. મનીષ રાવલ દ્વારા સર્વે ખેલાડીઓને સંબોધન કરતાં સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુબેચ્છા આપી હતી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટીમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિષે જણાવ્યું હતું. રમતથી વ્યક્તિ નિર્માણ અને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણમાં યુવા મહિલા ખેલાડીઓની ભૂમિકા મહત્વની છે તેમ જણાવી પ્રોત્સાહિત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમની આભારવિધિ પ્રો ડૉ. હરીશ વનારએ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટીના તમામ શૈક્ષણિક સ્ટાફ અને વહીવટી સ્ટાફએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

