આરોપી દિલીપ પટેલની કારમાંથી રૂ. ૪૯ લાખની શંકાસ્પદ રોકડ મળી આવતાં તપાસનો ધમધમાટ
આણંદ : આણંદમાં લાંચના મામલે પોલીસ વિભાગમાં ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. આણંદ SOG શાખામાં ફરજ બજાવતા PSI વી.એન. રાઠોડ તથા દિલીપભાઈ ઉર્ફે દીપુભાઈ ભીખાભાઈ પટેલ વિરુદ્ધ રૂ. ૨ લાખની લાંચ માગવા અને લેવા અંગે ગુનો નોંધાયો છે. આ કેસમાં PSI વી.એન. રાઠોડની ધરપકડ બાકી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાની તપાસ દરમિયાન ફરિયાદીનું ફ્રીઝ કરવામાં આવેલું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા તેમજ ગુનાના કામે ફરિયાદીની ધરપકડ નહીં કરવા માટે આરોપીઓએ લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે. આ મામલે બંને વિરુદ્ધ રૂ. ૨ લાખની લાંચ સંબંધિત ગુનો નોંધવામાં આવ્યો છે.
કારમાંથી રૂ. ૪૯ લાખની રોકડ મળી
આ કેસની તપાસ દરમિયાન આરોપી નંબર-૨ દિલીપભાઈ ઉર્ફે દીપુભાઈ પટેલના કબજાની મારુતિ સિયાઝ કારમાં પંચોની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કારમાંથી રૂ. ૪૯ લાખની શંકાસ્પદ રોકડ રકમ મળી આવી હતી. લાંચના કેસ સાથે સંકળાયેલી તપાસ દરમિયાન આટલી મોટી રોકડ રકમ મળી આવતાં સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
રોકડ રકમ અંગે વધુ તપાસ ચાલુ
કારમાંથી મળી આવેલી રૂ. ૪૯ લાખની રોકડ રકમના સ્ત્રોત સહિતના મુદ્દાઓને લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ, આ કેસમાં આરોપી PSI વી.એન. રાઠોડની ધરપકડ કરવાની બાકી છે. તપાસમાં આગામી સમયમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
