સાયબર ગઠીયાઓ એ દિનેશભાઈ ને લગ્ન ની કંકોત્રી નુ આમંત્રણ મોકલ્યુ અને વાંચતા વેંત દિનેશભાઈ ના બેંક ખાતાઓ માંથી ૮૯,૯૯૫ નો લગ્ન નો ચાંદલો પણ લઈ લીધો..!!
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભલાણીયા ગામે વોટ્સએપ પર આવેલી લગ્નની કંકોત્રી ખોલવી એક ખેડૂતને ભારે પડી હતી. અજાણ્યા શખસ દ્વારા વોટ્સએપ મારફતે મોકલવામાં આવેલી આમંત્રણ પત્રિકા ખોલ્યા બાદ મોબાઈલ હેક થઈ જતાં ખેડૂતના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા (BOB) અને પંજાબ નેશનલ બેંક (PNB) એમ ત્રણ બેંક ખાતાંમાંથી કુલ રૂ. 89,995ની ઓનલાઈન ઠગાઈ થયાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરા તાલુકાના ભલાણીયા ગામના વણકર ફળિયામાં રહેતા 57 વર્ષીય ખેડૂત દિનેશભાઈ હરખાભાઈ વણકરને ગત તા. 26 સપ્ટેમ્બર, 2026ના રોજ બપોર ના અરસામાં તેમના વોટ્સએપ નંબર પર અજાણ્યા શખસ દ્વારા લગ્નની કંકોત્રીના સ્વરૂપમાં આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી હતી. આ પત્રિકા ખોલતાં જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો.ફરિયાદીનો મોબાઈલ નંબર બેંક ખાતાંઓ સાથે લિંક હતો અને મોબાઈલમાં ગૂગલ પેની સુવિધા પણ ચાલુ હતી. આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી અજાણ્યા શખસે ફરિયાદીના ત્રણેય બેંક ખાતાંમાંથી કુલ રૂ. 89,995ની રકમની ઓનલાઈન છેતરપિંડી આચરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ બનાવ અંગે ફરિયાદીએ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સાયબર ફરિયાદ અરજી ના આધારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(2), 319(2) તથા માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ (IT Act)ની કલમ 66C, 66D અને 66E હેઠળ અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
