પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર હોસ્પિટલ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગના કારણે સ્ટોરમાં સંગ્રહિત દવાઓનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. જોકે, ફાયર એલાર્મ વાગતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હાથ ધરેલી કામગીરીને પગલે મોટી જાનહાનિ ટળી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારે જ્યારે સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાંથી ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા ત્યારે હોસ્પિટલ તંત્રમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. ફાયર સેફ્ટી સિસ્ટમ અને અલાર્મ તુરંત જ કાર્યરત થઈ ગયાં હતાં. અલાર્મ વાગતાં જ હોસ્પિટલ સ્ટાફે ત્વરિત સતર્કતા દાખવી ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગોધરા ફાયર વિભાગની ટીમ સમય ગુમાવ્યા વિના ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જવાનો દ્વારા ત્વરિત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સમયસર હાથ ધરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનના કારણે આગ હોસ્પિટલના અન્ય વોર્ડ કે વિભાગો સુધી ફેલાઈ નહોતી, જેથી દર્દીઓ અને સ્ટાફનો બચાવ થયો હતો.પ્રાથમિક તારણ મુજબ, મેડિકલ સ્ટોરની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આગ કયા ચોક્કસ કારણોસર લાગી અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં શું ખામી સર્જાઈ હતી, તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે.
દવાનો મોટો જથ્થો ખાખ : નુકસાનની આંકડાકીય આકારણી બાકી: હોસ્પિટલના સેન્ટ્રલ સ્ટોરમાં દર્દીઓ માટે જરૂરી દવાઓનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવે છે. આ ઘટનામાં મોટા પ્રમાણમાં દવાઓ નાશ પામી હોવાથી આરોગ્ય સેવાઓ પર તેની અસર ન પડે તે માટે તંત્ર દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે. કેટલાં મૂલ્યની દવાઓ અને સાધન-સામગ્રી નષ્ટ થઈ છે તેનો સત્તાવાર આંકડો તપાસ બાદ જાહેર કરવામાં આવશે.

