દેવગઢ બારીઆ નગર પાલિકાનું ફાયર ફાઈટર પીપેરો સ્થિત પોતાના અંગત નિવાસસ્થાને મંગાવી સફાઈ કરાવવાના વિવાદમાં ઘેરાયેલા ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડની મુશ્કેલીઓ શમવાનું નામ લેતી નથી. આ ઘટના બાદ પોતાના જ રાજકીય ક્ષેત્રમાં માછલાં ધોવાતાં ધારાસભ્ય હવે સત્તાધારી પક્ષના જ કેટલાક સભ્યો અને હોદ્દેદારો ઉપર ભારે બગડ્યા હોવાની ચર્ચાઓ એ રાજકીય ગરમાવો લાવી દીધો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર વિવાદ વિવાદિત સ્તરે પહોંચ્યા બાદ અને વિપક્ષ સહિત સ્થાનિક સ્તરે થઈ રહેલી ટીકાઓથી ઘેરાયેલા ધારાસભ્ય બચુભાઈ ખાબડે નગર પાલિકાના ભાજપ શાસિત હોદ્દેદારો અને પક્ષના આંતરિક સભ્યો સામે આકરો રોષ ઠાલવ્યો છે. ધારાસભ્ય બચુભાઈ ખાબડનું માનવું છે કે સમગ્ર મામલાને યોગ્ય રીતે હેન્ડલ કરવાને બદલે પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ અને અધિકારીઓ દ્વારા જાહેર ખુલાસાઓ આપીને ઘટનાને વધુ ભડકાવવામાં આવી છે. કેમ કે દંડ પેટે ₹૨,૭૦૦ ની પાવતી ફાડવા અને “ફેક કોલ” કે “ગેરસમજ” જેવા જવાબો આપવાને કારણે બચુભાઈની રાજકીય છબીને વધુ નુકસાન પહોંચ્યું હોવાની લાગણી તેમણે પક્ષના આંતરિક વર્તુળોમાં વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે ‘સેવા સંકલ્પ અભિયાન’ દરમિયાન ધારાસભ્યના વૈભવી નિવાસસ્થાને નગર પાલિકાનું ફાયર વાહન મોકલી ઘર ધોવડાવવાનો વિડીયો વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયો અંગે પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલે એમ.એલ.એ. સાહેબના ફોન બાદ જ ફાયર બ્રિગેડ મોકલ્યું હોવાની વાત સ્વીકારીને મામલો ગેરસમજણનો હોવાનું જણાવ્યું હતું. તેમજ આ અંગે વિવાદ થતાં ધારાસભ્યના પુત્ર બળવંત ખાબડ પાસેથી ₹૨,૭૦૦ ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હોવાનો દેખાવો કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે ધારાસભ્ય બચુભાઈ ખાબડની છબી ખરડાતા તેમણે પોતાના જ પક્ષના સભ્યોની કામગીરી અને નિવેદનો સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. એક તરફ પ્રજામાં સરકારી સાધનોના દુરુપયોગ અંગે ભારે નારાજગી જોવા મળી રહી છે તો બીજી તરફ ભાજપના જ આંતરિક જૂથો વચ્ચે આ મુદ્દે ખેંચતાણ અને નિશાનાબાજી શરૂ થઈ ગઈ છે. સ્થાનિક વર્તુળોમાં ચર્ચા છે કે ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા પોતાના જ સભ્યો સામે આકરો વલણ અપનાવાતા આગામી દિવસોમાં નગર પાલિકા અને પક્ષના સંગઠનમાં નવા સમીકરણો સર્જાઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
