અવધ એક્સપ્રેસ
ગૌસ-એ-પાક હઝરત શેખ અબ્દુલ કાદિર જીલાની (રહ.)ની મોહબ્બત અને અકીદત સાથે મુસ્લિમ સમાજમાં ગ્યારવી શરીફની નિયાઝ કરવામાં આવે છે. આ પ્રસંગે બનાવવામાં આવતી નિયાઝને લોકો અકીદત અને શ્રદ્ધા સાથે સ્વીકારે છે. પરંતુ નિયાઝનો સાચો હેતુ માત્ર પેટ ભરવાનું નથી, પરંતુ અલ્લાહની આપેલી નેઅમત પ્રત્યે શુક્ર, અદબ અને જરૂરિયાતમંદો સુધી ખોરાક પહોંચાડવાની ભાવનાને જીવંત રાખવાનો પણ છે.
નિયાઝ જ્યારે અકીદત સાથે આપવામાં આવે ત્યારે તેને સામાન્ય ખોરાકની જેમ ન જોવી જોઈએ. નિયાઝનો આદર કરવો, જરૂરિયાત મુજબ જ લેવી અને જેટલું લીધું હોય તેટલું જ ખાવું આપણી સામાજિક અને ધાર્મિક જવાબદારીનો ભાગ છે.
પ્લેટમાં જરૂર કરતાં વધારે ભોજન લેવું અને પછી તેને અધૂરું છોડીને ફેંકી દેવું એ નેઅમતની કદર ન કરવા સમાન છે. તેથી નિયાઝ હોય કે સામાન્ય ભોજન, ‘જેટલી જરૂર એટલું જ લો અને લીધેલું સંપૂર્ણ ખાઓ’ આ સંદેશ દરેક વ્યક્તિએ જીવનમાં ઉતારવો જરૂરી છે.
ગ્યારવી શરીફની નિયાઝમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. ઘણી વખત ઉત્સાહમાં જરૂર કરતાં વધારે ખોરાક લેવામાં આવે છે અને પરિણામે અન્નનો બગાડ થાય છે. જ્યારે બીજી તરફ સમાજમાં એવા લોકો પણ છે જેમને એક સમયનું પૂરતું ભોજન મળતું નથી.
આથી નિયાઝનો બગાડ કરવાને બદલે જરૂરિયાતમંદો, ગરીબો, મુસાફરો અને આસપાસના જરૂરિયાતવાળા પરિવારો સુધી નિયાઝ પહોંચાડવી વધુ ઉપયોગી સામાજિક ભાવના બની શકે છે.
નિયાઝ જેટલી વહેંચાય તેટલી મોહબ્બત વધે અને જેટલી બગાડાય તેટલી નેઅમતની કદર ઘટે આ સંદેશ દરેકે સમજવો જરૂરી છે.
નિયાઝ લેતી વખતે રાખીએ ત્રણ બાબતોનું ધ્યાન
નિયાઝની તાજીમ અને અદબ માટે સરળ રીતે ત્રણ બાબતો યાદ રાખી શકાય
૧. જરૂરિયાત મુજબ જ નિયાઝ લેવી.
૨. લીધેલી નિયાઝનો બગાડ ન કરવો.
૩. વધેલી નિયાઝ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવી.
આ માત્ર ગ્યારવી શરીફ પૂરતું નહીં, પરંતુ દરેક ધાર્મિક પ્રસંગ, સામૂહિક ભોજન, લગ્નપ્રસંગ કે કોઈપણ પ્રસાદી/નિયાઝ માટે લાગુ પડતો સામાજિક સંદેશ છે.
આપણા ઘરમાં હોય કે મસ્જિદમાં, મહેફિલમાં હોય કે નિયાઝમાં અન્નને સન્માન આપવું જોઈએ. એક દાણો તૈયાર થવા પાછળ ખેડૂતની મહેનત, પાણી, જમીન અને અનેક લોકોનું પરિશ્રમ જોડાયેલું હોય છે. તેથી ખોરાકનો બગાડ માત્ર એક પ્લેટનું ભોજન ફેંકવું નથી, પરંતુ મહેનત અને નેઅમતની અવગણના પણ છે.
ગૌસ-એ-પાક (રહ.)ની મોહબ્બતમાં નિયાઝ કરનાર દરેક અકીદતમંદે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે નિયાઝનો સન્માન માત્ર તેને લેવાની રીતમાં નહીં, પરંતુ તેનો બગાડ ન કરવામાં અને બીજાની જરૂરિયાત પૂરી કરવામાં પણ છે.
ગૌસ-એ-પાક (રહ.)ની મોહબ્બત દિલમાં રાખવી એ અકીદતની બાબત છે, પરંતુ મોહબ્બત સાથે અદબ અને સારા આચરણને જીવનમાં ઉતારવું પણ એટલું જ મહત્વનું છે.
ગ્યારવી શરીફની નિયાઝ આપણને એક સુંદર સામાજિક સંદેશ આપે છે
નેઅમતની કદર કરો, જરૂર જેટલું જ લો, અન્નનો બગાડ ન કરો અને જે વધે તે જરૂરિયાતમંદ સાથે વહેંચો.
આપણે સૌ સંકલ્પ કરીએ કે ગ્યારવી શરીફની નિયાઝ હોય કે રોજિંદું ભોજન પ્લેટમાં અન્ન નહીં છોડીએ, જરૂર કરતાં વધારે નહીં લઈએ અને ખોરાકનો બગાડ અટકાવવામાં પોતાનો ફાળો આપીશું.
કારણ કે સાચી અકીદત માત્ર શબ્દોમાં નહીં, પરંતુ અદબ, શુક્ર, વહેંચણી અને સારા અમલમાં પણ દેખાય છે.
