આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગોધરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ, હેરફેર અને વેચાણ કરતા તત્વો સામે કાર્યવાહી કરવા પોલીસ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે પંચમહાલ-ગોધરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પેટલવાડા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, ગોધરાના શેઠવાડા-પેટલવાડા વિસ્તારમાં રહેતા ચેતનકુમાર ઉર્ફે ભગત હસમુખલાલ પરીખની ભગત સીઝનલ સ્ટોર નામની દુકાનમાંથી લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા વિવિધ પ્રકારના ફટાકડાના 2,034 નંગ બોક્સ મળી આવ્યા હતા.
પોલીસે ફટાકડાનો કુલ રૂ. 2,54,290/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ચેતનકુમાર ઉર્ફે ભગત હસમુખલાલ પરીખ, રહે. શેઠવાડા, પેટલવાડા, ગોધરાની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે BNS એક્ટ તથા સ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે.
દિવાળી પર્વને લઈને ફટાકડાના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતા ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
Add A Comment

