અવધ એક્સપ્રેસ | ગોકુળ પંચાલ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પરોલીધામ ખાતે મુમુક્ષુ કલ્પનાબેન સુરેશચંદ્ર બોહરાના વર્ષીદાન વરઘોડા નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કલશધારી બહેનોની ઉપસ્થિતિમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રા, શ્રમણ ભગવંતોનાં ધાર્મિક પ્રવચનો, બાલિકાઓનાં સાંસ્કૃતિક નૃત્યો અને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોથી સમગ્ર પરોલીધામ ધર્મમય બની ગયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
તપસ્વી મુનિશ્રી પદ્મોદયસાગરજી મહારાજ સાહેબના જન્મોત્સવ તથા જૈનાચાર્ય શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની ૩૬મી સ્વર્ગારોહણ તિથિના પાવન અવસરે વર્ષીદાન વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ધાર્મિક આયોજનનો લાભ બાડમેર (રાજસ્થાન)ના મૂળ વતની અને હાલ સુરત નિવાસી શ્રી પીતાંભાઈ નેમિચંદજી બોથરા પરિવારે લીધો હતો.
આ ધાર્મિક પ્રસંગે પાવાગઢ શ્વેતાંબર જૈન તીર્થસ્થાનના માર્ગદર્શક પૂજ્ય મુનિશ્રી પૂર્ણચંદ્રવિજયજી મહારાજ સાહેબ, મહાતપસ્વી મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ સાહેબ, ચાતુર્માસાર્થે બિરાજમાન મુનિશ્રી પ્રિયંકરસાગરજી મહારાજ સાહેબ સહિત અન્ય શ્રમણ ભગવંતોની પાવન ઉપસ્થિતિ રહી હતી. શ્રમણ ભગવંતોનાં દર્શન અને આશીર્વચનનો લાભ લઈને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.

સંયમ અને વૈરાગ્યના સંદેશ સાથે ધાર્મિક પ્રવચનો
કાર્યક્રમ દરમિયાન ગામની બાલિકાઓએ સંયમ, ત્યાગ અને વૈરાગ્યમય જીવનની મહત્તા દર્શાવતાં ભાવસભર સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યાં હતાં. તેમની પ્રસ્તુતિએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને ભાવવિભોર કર્યા હતા.
ધાર્મિક સભામાં મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ સાહેબે પોતાના પ્રવચનમાં સંયમજીવનની કઠિનતા, ત્યાગની ભાવના અને આત્મકલ્યાણના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે મુનિશ્રી પ્રિયંકરસાગરજી મહારાજ સાહેબે જૈન દીક્ષા અને પ્રવ્રજ્યાના મહિમા વિશે સમજાવતાં સર્વ જીવો પ્રત્યે કરુણા, સમભાવ અને આત્મોપલબ્ધિની ભાવના કેળવવા પ્રેરણા આપી હતી.

મુમુક્ષુ કલ્પનાબેનનું સન્માન, ‘આઈ લવ પરોલીધામ‘ બોર્ડનું અનાવરણ
પરોલી તથા લાલપરીના ગ્રામજનો દ્વારા મુમુક્ષુ કલ્પનાબેન બોહરાને સન્માનપત્ર અર્પણ કરીને ભાવભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોની શ્રદ્ધા, સહભાગિતા અને એકતાની ભાવના જોવા મળી હતી. ઉપરાંત, નવરાત્રિ પર્વના પ્રારંભ નિમિત્તે ‘આઈ લવ પરોલીધામ’ બોર્ડના અનાવરણનો કાર્યક્રમ પણ આયોજનનો ભાગ રહ્યો હતો.
વર્ષીદાન વરઘોડામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી બહેનો, કળશધારી મહિલાઓ અને શ્રદ્ધાળુઓ જોડાયાં હતાં. ભવ્ય શોભાયાત્રા, ધાર્મિક પ્રવચનો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સન્માન સમારોહના સમન્વયથી પરોલીધામમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું.
આમ, ધર્મ, ત્યાગ, વૈરાગ્ય અને જીવમાત્ર પ્રત્યે કરુણાની ભાવનાનો સંદેશ આપતો મુમુક્ષુ કલ્પનાબેન બોહરાનો વર્ષીદાન વરઘોડો પરોલીધામમાં યાદગાર ધાર્મિક પ્રસંગ બની રહ્યો હતો.
* પરોલીધામમાં મુમુક્ષુ કલ્પનાબેન બોહરાના વર્ષીદાન વરઘોડા નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા
* કલશધારી બહેનોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા નીકળી, શ્રમણ ભગવંતોનાં પ્રવચનો અને બાલિકાઓનાં ભાવસભર નૃત્યોએ શ્રદ્ધાળુઓને કર્યા ભાવવિભોર
