(અવધ એક્સપ્રેસ)
વિશ્વભરમાં પ્રવાસન ક્ષેત્રના મહત્વ અને તેના આર્થિક તથા સામાજિક યોગદાન અંગે જાગૃતિ ફેલાવવા દર વર્ષે ૨૭ સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૯૮૦થી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રવાસન ક્ષેત્રે બદલાતા સમય સાથે ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બની રહી છે.
ટુરીઝમ એક્સપર્ટ અને યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ એડવોકેટ શરદભાઈ દવેના જણાવ્યા અનુસાર, દર વર્ષે યુનાઈટેડ નેશન્સ ટુરીઝમ દ્વારા વિશ્વના અલગ-અલગ દેશોમાં કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ ટુરીઝમનું મુખ્ય મથક સ્પેનના મેડ્રિડ શહેરમાં આવેલું છે.
ચાલુ વર્ષે ૨૭થી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન અલ સાલ્વાડોરના ‘સર્ફ સિટી’ ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે. જેમાં આશરે ૧૬૦ દેશોના સભ્ય પ્રતિનિધિઓ, એસોસિયેટ સભ્યો, ઓબ્ઝર્વર્સ તેમજ મોટી સંખ્યામાં એફિલિએટેડ સભ્યો ભાગ લેશે.
આ વર્ષની ચર્ચાનો મુખ્ય વિષય “Digital Agenda and Artificial Intelligence to Redesign Tourism” રહેશે. ડિજિટલ ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી પ્રવાસન ક્ષેત્રને વધુ આધુનિક, સુલભ અને વેગવંતુ બનાવવાના મુદ્દે મંથન કરવામાં આવશે.
કોન્ફરન્સ દરમિયાન વિવિધ દેશો દ્વારા પોતાના દેશમાં વિકસાવવામાં આવેલા નવા પ્રવાસન સ્થળો, ટુરીઝમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સરકારી નીતિઓ તથા પ્રવાસન ક્ષેત્રની સમસ્યાઓ અને તેના ઉકેલો અંગેના પેપર્સ રજૂ કરવામાં આવશે. સભ્ય દેશો વચ્ચે માહિતી અને અનુભવોનું આદાન-પ્રદાન થશે તથા પ્રવાસન ક્ષેત્રના વિકાસની સમીક્ષા કરવામાં આવશે.
કોન્ફરન્સમાં ભાગ લેનારા પ્રતિનિધિઓને અલ સાલ્વાડોરના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત પણ કરાવવામાં આવશે, જેથી દેશના પ્રવાસન મોડેલ અને સ્થળોની જાણકારી મળી શકે.
એડવોકેટ શરદભાઈ દવેના જણાવ્યા પ્રમાણે, ટુરીઝમ માત્ર ફરવા-ફરાવા પૂરતું ક્ષેત્ર નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રવાસીઓ અને ટુર ઓપરેટરો દેશ-વિદેશની ટુરનું આયોજન કરે છે. જે દેશ વધુને વધુ વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં સફળ થાય છે તે દેશને વધુ પ્રમાણમાં વિદેશી હૂંડિયામણની આવક મળી શકે છે અને તેના પરિણામે વિવિધ ક્ષેત્રોના વિકાસને વેગ મળી શકે છે.
રશિયા-યુક્રેન તેમજ ઈઝરાયલ-હમાસ અને અમેરિકા-ઈરાન વચ્ચેના સંઘર્ષોની અસર એપ્રિલથી જૂન દરમિયાન પ્રવાસન પ્રવૃત્તિઓ પર જોવા મળી હતી. જોકે હાલ આ સંઘર્ષોની પ્રવાસન પ્રવૃત્તિ પર કોઈ વિશેષ અસર જોવા મળતી નથી. બીજી તરફ અમેરિકાનું વલણ સ્પષ્ટ ન હોવાના કારણે કેટલાક પ્રવાસીઓ માટે મુશ્કેલી ઊભી થઈ હોવાનું જણાવાયું છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રાજકીય અસ્થિરતાની અસર પણ પ્રવાસન ક્ષેત્ર પર પડી છે. આવા પડકારો વચ્ચે પ્રવાસન ઉદ્યોગને ફરી વેગ આપવા માટે વિવિધ દેશોની સરકારો દ્વારા આર્થિક સહાય, પ્રોત્સાહનો અને રાહતો આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
વિશ્વ પ્રવાસન દિવસ-૨૦૨૬ના માધ્યમથી બદલાતા ડિજિટલ યુગમાં પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા ઉપયોગ સાથે પ્રવાસ આયોજન, પ્રવાસીઓ સુધી માહિતી પહોંચાડવા, ટુરીઝમ સ્થળોના પ્રચાર-પ્રસાર અને પ્રવાસીઓના અનુભવને વધુ સરળ બનાવવામાં ટેક્નોલોજીની ભૂમિકા આગામી સમયમાં વધુ મહત્વપૂર્ણ બની શકે છે.
* ૨૭ સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી • અલ સાલ્વાડોરના સર્ફ સિટીમાં ૨૭થી ૨૯ સપ્ટેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ
* ૧૬૦ દેશોના પ્રતિનિધિઓ સહિત પ્રવાસન ક્ષેત્રના અગ્રણીઓની હાજરી • ‘ડિજિટલ એજન્ડા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ બનશે ચર્ચાનું કેન્દ્ર