અવધ એક્સપ્રેસ l અમદાવાદ,
શહેરમાં આવેલ સિટી સેશન્સ કોર્ટ પરિસરમાં આવેલી પોક્સોની વિશેષ અદાલતે એક મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં,17 વર્ષ અને 2 મહિનાની સગીરાનું અપહરણ કરી તેને ધમકી આપીને અજમેર લઈ જવા અને તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરવાના કેસમાં 28 વર્ષીય આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરની દલીલો, 10 સાક્ષીઓના નિવેદનો અને 28 જેટલા દસ્તાવેજી તથા અન્ય પુરાવાઓને ધ્યાને લઈ વિશેષ ન્યાયાધીશ એચ.એન. દેસાઈએ ચુકાદો આપ્યો હતો.
આ કેસની વાત કરીએ તો, વર્ષ 2024માં ફરિયાદી પોતાની પત્નીની સારવાર માટે હોસ્પિટલ ગયા હતા. તે દરમિયાન તેમની 17 વર્ષ અને 2 મહિનાની સગીર દીકરી ઘરેથી ગુમ થઈ હતી. પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો નહીં મળતા સમગ્ર મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપી સગીરાને બસ અને ટ્રેન મારફતે વડોદરા અને સુરત થઈને અજમેર લઈ ગયો હતો. અજમેર પહોંચ્યા બાદ તેને સમીર ગેસ્ટ હાઉસમાં રાખી હતી.
કોર્ટ સમક્ષ પીડિતાએ જણાવ્યું હતું કે, આરોપીએ માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેને અજમેર લઈ જઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાથી તેની કોઈપણ કથિત સંમતિને કાયદાકીય સંમતિ તરીકે માન્ય ગણાવી શકાય નહીં, તેવી કાયદાકીય સ્થિતિને પણ કોર્ટે ધ્યાનમાં લીધી હતી.
આરોપી વિરૂદ્ધ મળ્યા નક્કર પુરાવા
આ કેસમાં ફરિયાદી પક્ષે રજૂ કરેલા પુરાવાઓમાં સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરનો રિપોર્ટ, ગાયનેકોલોજિસ્ટની તપાસનો રિપોર્ટ અને FSL રિપોર્ટ મહત્વના રહ્યા હતા. આ તબીબી અને વૈજ્ઞાનિક પુરાવાઓથી ફરિયાદી પક્ષના કેસને સમર્થન મળ્યું હતું. આ ઉપરાંત અજમેર સ્થિત ગેસ્ટ હાઉસના રજિસ્ટરની એન્ટ્રી તથા આધારકાર્ડની નકલો પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેના આધારે આરોપી અને સગીરા અજમેરમાં સાથે રોકાયા હોવાની હકીકતને સમર્થન મળ્યું હતું.
સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, સગીરાને ધમકી આપી તેના પરિવારથી દૂર લઈ જવી અને તેની ઉંમરનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચરવું ગંભીર ગુનો છે. ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓ પરસ્પર સુસંગત છે અને આરોપી સામેનો ગુનો સાબિત કરવા માટે પૂરતા છે.
સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે પીડિતાના નિવેદન તેમજ મેડિકલ, FSL અને અન્ય દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ પોક્સોની વિશેષ અદાલતે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. નોંધનીય છે કે આરોપી પરણિત છે અને એક બાળકનો પિતા પણ છે, તેમ છતાં કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવાઓના આધારે તેને સજા કરવામાં આવી છે. આ કેસમાં પોક્સો કાયદા હેઠળ સગીરાની ઉંમર અને તેની સંમતિ અંગેની કાયદાકીય જોગવાઈઓ પણ મહત્વપૂર્ણ બની હતી.
