અવધ એક્સપ્રેસ l ઘોઘંબા
ગણેશોત્સવના પાવન પર્વ દરમિયાન ઘોઘંબા નગર સહિત તાલુકામાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજરોજ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયંકભાઈ દેસાઈએ ઘોઘંબા ખાતે વિવિધ ગણેશ મંડળોની મુલાકાત લઈ શ્રી ગણપતિ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મયંકભાઈ દેસાઈએ ઘોઘંબા તાલુકામાં કાર્યરત કોબ્રા ગ્રુપ અને વિનાયક ગ્રુપના મુખ્ય ગણેશ મંડળો ઉપરાંત તાલુકાના વિવિધ ગામોમાં બિરાજમાન વિઘ્નહર્તા ગણેશજીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમણે ગણપતિ દાદા સમક્ષ સૌના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

મયંકભાઈ દેસાઈની મુલાકાત દરમિયાન વિવિધ ગણેશ મંડળોના આયોજકો અને કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મંડળો દ્વારા શાલ ઓઢાડી તથા મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવની ભક્તિમય ઉજવણી વચ્ચે ભાજપ જિલ્લા પ્રમુખની આ મુલાકાતને પગલે ઘોઘંબા તાલુકાના ગણેશ મંડળોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ મંડળોના કાર્યકરો સાથે મુલાકાત દરમિયાન ગણેશોત્સવની ઉજવણી અને આયોજન અંગે પણ વાતચીત કરવામાં આવી હતી.
