અવધ એક્સપ્રેસ l ઘોઘંબા
લોકો ના સુધી પાણી પહોંચાડવાના હેતુથી અમલમાં મૂકાયેલી ‘નલ સે જલ’ યોજનાની કામગીરીને લઈને જોરાપુરા (વાંગરવા) ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ, ગામમાં ભૂગર્ભ પાઇપલાઇન નાખતી વખતે કેટલીક જગ્યાએ પાઇપલાઇનને જમીનની અંદર યોગ્ય રીતે બેસાડવામાં આવી નથી. પરિણામે ચોમાસા દરમિયાન અગાઉ નાખવામાં આવેલી પાઇપલાઇનમાં લીકેજ થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યું હોવાના કારણે ખેતીના પાકને નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ખેડૂતોનો વધુ આક્ષેપ છે કે, માલિકીની જમીનમાં પાઇપલાઇન નાખવા તથા ખાડા ખોદવાની કામગીરી કરતા પહેલાં જમીનમાલિકોની યોગ્ય મંજૂરી કે જાણ કરવામાં આવી નહોતી. ખેતરમાં ખાડા ખોદવાના કારણે પાક ઉપરાંત અગાઉ કરાયેલી ખેતીની કામગીરીને પણ નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, લોકો ને પાણીની સુવિધા પહોંચાડવાના હેતુથી શરૂ કરાયેલી યોજનાની કામગીરીમાં જો ખેડૂતોના ખેતરો અને પાકને જ નુકસાન થતું હોય તો આવી કામગીરી સામે જવાબદારી નક્કી થવી જરૂરી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, પાઇપલાઇનમાં થયેલા લીકેજ પાછળ પાઇપની ગુણવત્તા તથા કામગીરીની ગુણવત્તા અંગે પણ તપાસ થવી જોઈએ. સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી પાઇપલાઇનની ગુણવત્તા, કામગીરીની પદ્ધતિ અને ખેડૂતોને થયેલા નુકસાન અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પગી ફળિયાના આગેવાનો તથા સ્થાનિક ગ્રામજનોની માંગ છે કે સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવામાં આવે અને જો કામગીરીમાં બેદરકારી કે નિયમોનો ભંગ થયો હોવાનું સામે આવે તો જવાબદાર અધિકારીઓ તથા સંબંધિત જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
સાથે જ ખેડૂતોને થયેલા પાક અને જમીનના નુકસાનનું યોગ્ય આકલન કરી વળતર અંગે પણ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોની આ રજૂઆત બાદ સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર કામગીરીની તપાસ કરી શું કાર્યવાહી કરવામાં આવે છે.
