અવધ એક્સપ્રેસ l ઘોઘંબા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલા સેવાકીય કાર્યક્રમોના ભાગરૂપે ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલા CSC સેન્ટર પર ‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય તથા પ્રદેશ ઉપાધ્યક્ષ જયદ્રથસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કેમ્પમાં ઉપસ્થિત ગ્રામજનો સાથે મુલાકાત કરી આરોગ્ય સેવાઓ અંગેની કામગીરીની જાણકારી મેળવી હતી. આ પ્રસંગે તેમણે સેવા, સમર્પણ અને સંવેદનાના ભાવ સાથે જનસેવાના પ્રયાસોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે ‘સેવા એ જ સંકલ્પ, જનકલ્યાણ એ જ ધ્યેય’નો સંદેશ આપતાં સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્ય સહિતની વિવિધ સેવાઓ પહોંચાડવાના પ્રયાસોને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. મેડિકલ કેમ્પમાં ગ્રામજનો માટે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો તથા લાભાર્થીઓએ કેમ્પમાં ઉપસ્થિત રહી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં ઘોઘંબા ભાજપ સંગઠન પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર, ઘોઘંબા તાલુકા પંચાયત પ્રમુખ પારુલબેન રાઠવા સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો, આરોગ્ય વિભાગનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવ અને જનકલ્યાણનો માહોલ જોવા મળ્યો હતો.
