અવધ એક્સપ્રેસ l ઘોઘંબા
સરકારી ગ્રાન્ટમાંથી પ્રજાની સુવિધા માટે વિકાસકામો તો કરવામાં આવે છે, પરંતુ વર્ષો બાદ પણ જો એ જ વિકાસકામ અધૂરા અને બિસ્માર હાલતમાં જોવા મળે તો સ્વાભાવિક રીતે સવાલો ઊભા થાય. ઘોઘંબા તાલુકાના તરિયાવેરી ગામે વર્ષ 2019-20 દરમિયાન એમ.પી.ની જોગવાઈ હેઠળ બનાવવામાં આવેલ રેન બસેરા શેડ હાલ તેની હાલતને લઈને ચર્ચામાં આવ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વર્ષો વીતી ગયા છતાં શેડનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી. શેડના તળિયામાં માટી નાખવામાં આવી હોવાની સાથે કેટલીક જગ્યાએ ભુવા પડી ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વરસાદી ઋતુમાં અહીં આશરો લેવા આવનાર લોકો માટે તેમજ પશુધન માટે પણ આ સ્થળ કેટલું સુરક્ષિત છે તે અંગે સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે.

વરસાદથી બચવા માટે બનાવવામાં આવેલા આ શેડની આસપાસની સ્થિતિ પણ ચર્ચાનો વિષય બની છે. સ્થળ પર પડેલી ખાલી બોટલો અને જાળવણીના અભાવ અંગે સ્થાનિકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. શેડમાં પ્લાસ્ટરનું કામ અધૂરું હોવાના આક્ષેપો વચ્ચે હવે સમગ્ર કામની ગુણવત્તા અને દેખરેખ અંગે તપાસની માંગ ઉઠી છે. સ્થાનિકોમાં સૌથી મોટો સવાલ એ છે કે જો કામ હકીકતમાં અધૂરું હતું તો તેને પૂર્ણ થયેલું કેવી રીતે ગણવામાં આવ્યું? અને જો કામ પૂર્ણ હોવાનું સરકારી રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું હોય તો સ્થળ પર તેની સ્થિતિ અલગ કેમ દેખાઈ રહી છે?
સમગ્ર મામલામાં હવે સરકારી દસ્તાવેજોની તપાસ મહત્વની બની છે. રેન બસેરા માટે કેટલી રકમ મંજૂર કરવામાં આવી હતી? વર્ક ઓર્ડર ક્યારે આપવામાં આવ્યો હતો? કામ માટે કેટલો ખર્ચ થયો? સ્થળ પર કામની માપણી કોણે કરી? માપપોથીમાં શું નોંધાયું છે? પૂર્ણતા પ્રમાણપત્ર કોણે આપ્યું અને બિલની કેટલી રકમ ચૂકવાઈ?
આ તમામ સવાલોના જવાબ માત્ર સ્થળની હાલત જોઈને નહીં, પરંતુ સંબંધિત સરકારી દસ્તાવેજો તપાસ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકે તેમ છે.

2019-20 દરમિયાન કરવામાં આવેલા આ કામને વર્ષો વીતી ગયા હોવા છતાં તેની હાલની સ્થિતિ અંગે તંત્ર દ્વારા નિયમિત દેખરેખ રાખવામાં આવી હતી કે નહીં તે પણ તપાસનો વિષય છે. જો કામમાં ખામી હતી તો જવાબદાર એજન્સી અથવા કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી હતી કે નહીં? ટેકનિકલ અધિકારીએ સ્થળ તપાસ કરી હતી કે નહીં? કામની ગુણવત્તા અંગે કોઈ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો કે નહીં? અને જો કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો છ વર્ષ સુધી આ કામ તંત્રની નજરથી કેમ દૂર રહ્યું?
તરિયાવેરીના ગ્રામજનો દ્વારા સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ સ્થળ તપાસ અને ટેકનિકલ માપણી કરવાની માંગ ઉઠી છે. રેન બસેરા માટે મંજૂર થયેલી ગ્રાન્ટ, એસ્ટિમેટ, વર્ક ઓર્ડર, માપપોથી, પૂર્ણતા પ્રમાણપત્ર અને બિલની ચુકવણી સહિતના તમામ રેકોર્ડની તપાસ કરવામાં આવે તેવી માંગ છે.

જો તપાસ દરમિયાન કામમાં ગંભીર ખામી, અધૂરું કામ અથવા નિયમવિરુદ્ધ ચુકવણી બહાર આવે તો જવાબદારી નક્કી કરી નિયમ મુજબ કાર્યવાહી અને જરૂરી હોય તો સરકારી નાણાંની વસૂલાત કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. હવે જોવાનું એ રહેશે કે તરિયાવેરીના આ રેન બસેરાની હકીકત બહાર લાવવા તંત્ર સ્થળ તપાસ કરે છે કે નહીં અને સરકારી રેકોર્ડ આ કામ અંગે શું હકીકત રજૂ કરે છે.
* છ વર્ષ પહેલાં બનેલો શેડ આજે પણ અધૂરો હોવાના પુરાવા સ્થળ ઉપર જોવા મળેછે, સરકારી ગ્રાન્ટના ઉપયોગ સામે ઉઠ્યા સવાલો
* કામ અધૂરું તો બિલની ચુકવણી કેવી રીતે? માપણી, પૂર્ણતા પ્રમાણપત્ર અને ચુકવણીના રેકોર્ડની તપાસની માંગ

