કાલોલ નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના મુખ્ય બજારો અને રોડ રસ્તાઓ પરથી દબાણો હટાવ્યા છે. આ સંયુક્ત કાર્યવાહીમાં 100થી વધુ લારી-ગલ્લા અને કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.દુકાનો આગળ મૂકેલો સામાન, છત બનાવવા માટે બનાવેલા પતરાના શેડ, દુકાનો આગળના ઓટલા અને હવાઈ દબાણો પણ હટાવાયા હતા. વેપારીઓને ભવિષ્યમાં રોડ રસ્તાઓ પર દબાણ ન કરવા અને ટ્રાફિકને અડચણરૂપ વાહનો કે સામાન ન રાખવા ચેતવણી આપવામાં આવી હતી.આ કામગીરીમાં કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ અને ટાઉન પોલીસ જમાદાર પ્રવીણભાઈ બારીયા સહિત પોલીસ, હોમગાર્ડ અને નગરપાલિકા કર્મચારીઓની ટીમે ભાગ લીધો હતો.

દબાણ હટાવવાની આ ઝુંબેશ ભાથીજી મંદિર રોડ, મેન ગેટ બસ સ્ટેન્ડ રોડ, બસ સ્ટેશન પાછળનો રોડ, પ્રાણીની ટાંકી ફાયર સ્ટેશન, એમજીએસ સ્કૂલની બાજુમાં અને ગાયત્રી મંદિર ગાર્ડન બાજુ સહિતના વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હતી.
