ગોધરાના અમદાવાદ હાઈવે પર આવેલા સીમલા કબાડી માર્કેટ વિસ્તારમાં વહેલી સવારે આગ લાગી હતી. ભારત પેટ્રોલ પંપ પાસેના એક ખાનગી વર્કશોપમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
આ આગ એટલી મોટી હતી કે વર્કશોપમાં રિપેરિંગ માટે આવેલી મોંઘી કારો સહિત લગભગ 10 વાહનો થોડી જ વારમાં આગની લપેટમાં આવી ગયા હતા.આ ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર વિભાગની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે પાણીનો સતત છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું હતું.

જોકે, આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાય તે પહેલા જ મોટાભાગના વાહનો બળીને રાખ થઈ ગયા હતા. આ કારણે વાહન માલિકો અને વર્કશોપ સંચાલકને ઘણું આર્થિક નુકસાન થયું છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.

