લીમખેડાની મોટીવાવ પ્રાથમિક શાળામાં ‘દૂધ સંજીવની’ યોજના હેઠળ બાળકોને આપવામાં આવતું દૂધ શ્વાન પી રહ્યાનો વિડીયો વાયરલ.!!
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની મોટીવાવ પ્રાથમિક શાળામાંથી સરકારી યોજનાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને આદિવાસી બાળકોના પોષણ માટે ચલાવવામાં આવતી ‘દૂધ સંજીવની યોજના’ હેઠળ અપાતું દૂધ બાળકોને બદલે શ્વાન પી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર શિક્ષણ આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સરકાર દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને કુપોષણ નિવારણ અર્થે કરોડો રૂપિયાના અબજોના બજેટ સાથે યોજનાઓ ચલાવવામાં આવે છે. જો કે મોટીવાવ પ્રાથમિક શાળાના આચાર્ય અને જવાબદાર સ્ટાફની ઘોર ઉદાસીનતાને કારણે દૂધના કેરેટ સીધા શાળાના પ્રાંગણમાં ખુલ્લામાં બિનવારસી હાલતમાં મૂકી દેવામાં આવ્યા હતા. ખુલ્લામાં રખાયેલા આ દૂધના કેરેટમાંથી અબોલ શ્વાન દૂધ પીતા નજરે પડ્યા હતા.
શાળા તંત્રની આ બિનજવાબદાર નીતિને કારણે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પૌષ્ટિક આહારથી વંચિત રહી ગયા છે. સાથે સાથે શાળા પરિસરમાં સ્વચ્છતા અને બાળકોના આરોગ્ય સામે પણ ગંભીર જોખમ ઊભું થયું છે. ભૂલકાંઓના ભવિષ્ય અને સ્વાસ્થ્ય સાથે થતાં આવા ચેડાં જોઈને સ્થાનિક વાલીઓ અને વાલીમંડળમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ વાયરલ વીડિયોને પગલે સ્થાનિક ગ્રામજનો અને વાલીઓએ શિક્ષણ વિભાગ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ઉગતી કક્ષાએ જ ગ્રામજનોએ શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી માંગ કરી છે કે સ્થળ પર તાત્કાલિક અસરથી તપાસ ટીમ મોકલવામાં આવે તેમજ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરીને બેદરકાર આચાર્ય અને દોષિત કર્મચારીઓ સામે તાત્કાલિક શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવે. તેવી ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગામ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
