સાવલી તાલુકાના ગોઠડા ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાવલીના પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા નાગરિકોને મળતી સરકારી સેવાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ અધિકારીઓ દ્વારા ગ્રામજનોને સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત વિવિધ પ્રકારના પ્રમાણપત્રો, અરજીઓ તથા અન્ય વહીવટી સેવાઓ અંગે સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરકારની સેવાઓ માટે ગ્રામજનોએ દૂર સુધી ધક્કા ન ખાવા પડે અને એક જ સ્થળેથી વિવિધ સેવાઓ અંગે માહિતી મળી રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવાસેતુ કાર્યક્રમના ભાગરૂપે ગોઠડા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓ અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સરકારી યોજનાઓ તથા સેવાઓ અંગે માહિતી મેળવી તેનો લાભ લેવા માટે માર્ગદર્શન મેળવ્યું હતું.


