ઘોઘંબા તાલુકાના પરોલીથી હાલોલ અને હાલોલથી પરોલી વચ્ચે મુસાફરી કરતા લોકોને હવે વધેલા ભાડાનો માર સહન કરવો પડી રહ્યો છે. પરોલીથી હાલોલ વચ્ચે ચાલતા છકડા ચાલકોએ વિવિધ રૂટનું ભાડું વધારી દીધું છે. છકડાઓમાં નવા ભાડાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.
પરોલીથી હાલોલનું અંતર આશરે 17 કિલોમીટર છે, ત્યારે આ રૂટનું ભાડું હવે રૂ.40 કરવામાં આવ્યું હોવાનું છકડા ચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે. છકડા ચાલકોનું કહેવું છે કે આ વિસ્તારમાં એકપણ બસ સેવા ઉપલબ્ધ નથી, જેના કારણે મુસાફરો સંપૂર્ણપણે છકડા પર નિર્ભર છે.
છકડા ચાલકોને ભાડું વધારવાનું કારણ પૂછવામાં આવતા કેટલાક ચાલકોએ પોલીસ તંત્રને રૂ.2500નો માસિક હપ્તો આપવો પડતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ ઉપરથી નીચે સુધી હપ્તો આપવાનો ખર્ચ થતો હોવાથી ભાડું વધારવાની ફરજ પડી છે.
જોકે, પોલીસ તંત્ર દ્વારા આવો કોઈ હપ્તો લેવામાં આવે છે કે નહીં તે અંગે સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે. છકડા ચાલકોના આ ગંભીર આક્ષેપોની તટસ્થ તપાસ થાય તેવી પણ માંગ ઉઠી છે.

પરોલી, વેલકોતર, વરવાડા, લાલપુરી, એરાલ સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો હાલોલ તરફ અવરજવર કરે છે. પરંતુ આ વિસ્તારમાં પૂરતી બસ સેવા ન હોવાથી લોકોને મજબૂરીવશ છકડાનો સહારો લેવો પડે છે.
ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે વધેલું ભાડું મોટો આર્થિક બોજ બની રહ્યું છે. વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરો પાસેથી એકસરખું ભાડું લેવામાં આવતું હોવાના કારણે રોજ હાલોલ જતાં-આવતાં વિદ્યાર્થીઓને આશરે રૂ.80 જેટલો ખર્ચ કરવો પડે છે. ગરીબ અને મધ્યમવર્ગીય વાલીઓ માટે આ વધારાનો ખર્ચ બજેટ બહારનો સાબિત થઈ રહ્યો છે.
બીજી તરફ છકડા ચાલકો દ્વારા પોલીસને હપ્તો આપવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ છકડા ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
પરોલી ચોકડી સહિતના વિસ્તારોમાં છકડાઓ ગમે ત્યાં પાર્ક કરવામાં આવતા હોવાના આક્ષેપો છે. જેના કારણે મોટા વાહનોને અવરજવરમાં મુશ્કેલી પડે છે અને વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
છકડા ચાલકો દ્વારા કરવામાં આવેલા રૂ.2500ના હપ્તાના આક્ષેપો સાચા છે કે માત્ર ભાડું વધારવા માટેનું કારણ છે? તે અંગે પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ પરોલી સહિત આસપાસના ગામોના મુસાફરો માટે નિયમિત અને પૂરતી એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવે, જેથી લોકો મોંઘા ભાડે છકડામાં મુસાફરી કરવા મજબૂર ન બને તેવી ગ્રામજનોની માંગ છે.
હવે જોવાનું એ રહે છે કે છકડા ચાલકોના હપ્તાના આક્ષેપો અંગે પોલીસ તંત્ર શું ખુલાસો કરે છે અને મુસાફરોને વધેલા ભાડામાંથી ક્યારે રાહત મળે છે.
બૉક્સ………………………………
કયા રૂટનું કેટલું ભાડું?
| રૂટ | ભાડું |
| હાલોલ-પરોલી | રૂ.40 |
| લાલપુરી | રૂ.30 |
| એરાલ ચોકડી | રૂ.30 |
| વરવાડા | રૂ.30 |
| પાધરદેવી | રૂ.30 |
| અરાદ વડ | રૂ.20 |
| ઈટવાડી – પરોલી | રૂ.30 |
| તરખંડા – પરોલી | રૂ.30 |
| વરસડા – લાલપુરી | રૂ.20 |
| વરસડા – એરાલ | રૂ.20 |
| અભેટવા – પરોલી | રૂ.30 |
