ગેરકાયદેસર હથિયારો રાખતા ઈસમો સામે પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ગોધરા તાલુકાના ટુવા ગામે હાઈવે રોડ પાસે આવેલા હરપ્રિત ઢાબાના પાર્કિંગમાંથી અલ્ટો કારમાં બેઠેલા ત્રણ શખ્સોને દેશી હાથ બનાવટના તમંચા અને ત્રણ જીવતા કારતુસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને ગેરકાયદેસર કબજા સામે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ટુવા ગામે હાઈવે રોડ નજીક હરપ્રિત ઢાબાના પાર્કિંગમાં તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન અલ્ટો કારમાંથી ત્રણ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો, કિંમત રૂ.7,000, ત્રણ જીવતા કારતુસ, કિંમત રૂ.600, ત્રણ મોબાઈલ ફોન, કિંમત રૂ.30,000 તેમજ અલ્ટો કાર, કિંમત રૂ.1 લાખ મળી કુલ રૂ.1,37,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે સ્થળ પરથી અક્ષયકુમાર અરવિંદસિંહ ચૌહાણ (રહે. મંદિર ફળિયું, વિંઝોલ), ચિરાગકુમાર નરવતસિંહ ચૌહાણ (રહે. કાંકણપુર) અને સુરપાલકુમાર ગોપાલસિંહ ચૌહાણ (રહે. નવાઘરા, વિંઝોલ) ને ઝડપી પાડ્યા હતા.
આ મામલે કાંકણપુર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-B)(A), 29 મુજબ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

