ઘોઘંબા, પંચમહાલ: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય નાણાપંચના ચેરમેન યમલભાઈ વ્યાસની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્ય નાણાપંચના ચેરમેન યમલભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણમાં થતા ફેરફારો માનવજાત માટે ચિંતાનો વિષય બન્યા છે. માત્ર વૃક્ષો વાવી દેવાથી જ પર્યાવરણનું રક્ષણ થતું નથી, પરંતુ વાવેલા વૃક્ષોનું નિયમિત જતન અને યોગ્ય સંવર્ધન પણ એટલું જ જરૂરી છે.

તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન કરવામાં આવતા વૃક્ષારોપણ બાદ ઓછામાં ઓછા એક વર્ષ સુધી રોપાઓનું નર્ચરિંગ, જતન અને ફોટોગ્રાફી સહિતનું નિયમિત મોનિટરિંગ કરવામાં આવે તો વૃક્ષારોપણ અભિયાન સાચા અર્થમાં સફળ બની શકે છે.
યમલભાઈ વ્યાસે વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોને પોતાના ઘર, ખેતર અને આસપાસના વિસ્તારોમાં વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, આજનું એક વૃક્ષ ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ હવા અને સુરક્ષિત પર્યાવરણનું અમૂલ્ય કવચ બની શકે છે. વૃક્ષો માત્ર પર્યાવરણની જાળવણી માટે જ નહીં, પરંતુ લાંબાગાળે આર્થિક રીતે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

કાર્યક્રમ દરમિયાન વન વિભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ અને વન મંડળીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વામિનારાયણ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરી વૃક્ષોના જતન અને સંવર્ધનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લામાં ગામેગામ નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરી હરિયાળીનો સંદેશ પહોંચાડવાના હેતુથી તૈયાર કરાયેલા ‘વૃક્ષ રથ’ને લીલીઝંડી આપી રવાના કરવામાં આવ્યો હતો. વૃક્ષ રથ દ્વારા વિવિધ વિસ્તારોમાં રોપાઓનું વિતરણ કરી લોકોને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ જિલ્લા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક બી.પી. પતિ, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, ધારાસભ્યો જયદ્રથસિંહ પરમાર અને ફતેસિંહ ચૌહાણ, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

