સ્વાઇન ફ્લૂને લઈને ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ એટલે કે ICMRના અહેવાલે દેશ માટે મોટી રાહતના સમાચાર આપ્યા છે. દેશમાં H1N1 વાયરસનો કોઈ નવો કે વધુ ખતરનાક સ્ટ્રેન જોવા મળ્યો નથી. હાલ ફેલાઈ રહેલો વાયરસ જૂનો જ છે અને તેના સામે ઉપલબ્ધ ફ્લૂ વેક્સિન અસરકારક હોવાનું જણાવાયું છે.
જોકે, બાળકો, વૃદ્ધો અને પહેલેથી અન્ય બીમારીઓથી પીડાતા લોકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. લક્ષણો ગંભીર બને તો બેદરકારી ભારે પડી શકે છે.

H1N1નો કોઈ નવો વેરિઅન્ટ નથી
જો તમારા મનમાં એવો ભય હોય કે દેશમાં સ્વાઇન ફ્લૂ એટલે કે H1N1નો કોઈ નવો અને ખતરનાક પ્રકાર ફેલાઈ રહ્યો છે, તો ગભરાવાની જરૂર નથી. ICMRના વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં H1N1નો કોઈ નવો વેરિઅન્ટ મળ્યો નથી.
હાલમાં ફેલાઈ રહેલો ઇન્ફ્લૂએન્ઝા-A એટલે કે H1N1 pdm09 વાયરસ પહેલેથી હાજર રહેલો વાયરસ છે. મેડિકલ ભાષામાં તેને ‘A/Missouri/11/2025 (H1N1) pdm09-like’ વાયરસ તરીકે ઓળખવામાં આવે છે.
આ વાયરસ ક્લેડ 6B.1A.5a2a અને સબ-ક્લેડ D.3.1.1 ગ્રુપનો ભાગ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ વાયરસ વર્ષ 2025થી જ દેશમાં જોવા મળી રહ્યો છે. તેથી કોઈએ ગભરાવાની જરૂર નથી.
શું હાલની વેક્સિન અસરકારક છે?
ICMRના વૈજ્ઞાનિકોએ વેક્સિન અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ, હાલમાં ભારતમાં ફેલાઈ રહેલો વાયરસ ઉપલબ્ધ ફ્લૂ વેક્સિન સાથે મેળ ખાતો હોવાથી તેના સામે વેક્સિન અસરકારક સાબિત થઈ શકે છે અને બચાવમાં મદદરૂપ બની શકે છે.
મોસમી ઇન્ફ્લૂએન્ઝા અથવા H1N1 સામાન્ય રીતે સેલ્ફ-લિમિટિંગ બીમારી છે, એટલે કે યોગ્ય આરામ અને સંભાળ સાથે ઘણા દર્દીઓ થોડા દિવસોમાં સ્વસ્થ થઈ જાય છે.
દર્દીએ પૂરતું પાણી અને પ્રવાહી લેવું, પૌષ્ટિક આહાર લેવો અને સંપૂર્ણ આરામ કરવો જરૂરી છે. મોટાભાગના લોકો ઘર પર આરામ અને યોગ્ય સંભાળથી 3થી 4 દિવસમાં સુધારો અનુભવે છે.
વાયરસ અંગે પાંચ મહત્વની બાબતો
કોઈ નવો વેરિઅન્ટ નથી: દેશમાં H1N1નો પહેલેથી હાજર A/Missouri/11/2025 પ્રકારનો વાયરસ જ જોવા મળી રહ્યો છે.
2025થી સક્રિય છે સ્ટ્રેન: ક્લેડ 6B.1A.5a2a અને સબ-ક્લેડ D.3.1.1 સાથે જોડાયેલો વાયરસ વર્ષ 2025થી જ ભારતમાં હાજર છે.
વેક્સિન મદદરૂપ છે: ઉપલબ્ધ મોસમી ફ્લૂ વેક્સિન વાયરસ સામે રક્ષણ આપવામાં મદદરૂપ બની શકે છે.
યોગ્ય આરામથી સુધારો: પૂરતો આરામ, પ્રવાહી અને યોગ્ય સંભાળથી મોટાભાગના દર્દીઓ સ્વસ્થ થઈ જાય છે.
સરકારની સતત નજર: ICMR અને આરોગ્ય વિભાગ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
કયા લોકોને વધુ સાવચેત રહેવાની જરૂર?
આ બીમારીના લક્ષણો સામાન્ય મોસમી ફ્લૂ જેવા જ હોઈ શકે છે. દર્દીને તાવ, ખાંસી, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે.
સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિઓ યોગ્ય આરામ અને સારવારથી સાજા થઈ જાય છે. જોકે, નીચેના લોકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે:
- નાના બાળકો
- વૃદ્ધો
- પહેલેથી ગંભીર અથવા લાંબી બીમારીથી પીડાતા લોકો
આ 3 સંકેતો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો
- શ્વાસ લેવામાં તકલીફ અથવા શ્વાસ ફૂલવો
- લક્ષણોમાં સતત વધારો થવો અથવા સ્થિતિ બગડવી
- 3-4 દિવસ પછી પણ સુધારો ન દેખાવવો અથવા ગંભીર નબળાઈ અનુભવવી
આવા લક્ષણો દેખાય તો ઘરગથ્થુ ઉપચાર પર આધાર રાખવાને બદલે તાત્કાલિક ડોક્ટર અથવા નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ.
