કાલોલ સ્ટેશન રોડ પર આવેલી ‘ફોન બુક મોબાઇલ શોપ’ના સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. દુકાનદાર દ્વારા નવા અને જૂના મોબાઇલ ફોનના વેચાણ અંગેનું ફરજિયાત રજિસ્ટર ન રાખવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
ગોધરા એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફ દ્વારા કાલોલ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પેટ્રોલીંગ દરમિયાન, સ્ટેશન રોડ પર આવેલી ‘ફોન બુક મોબાઇલ શોપ’ ખાતે તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દુકાનદાર નવા અને જૂના મોબાઇલ ફોનનું વેચાણ કરતા હોવા છતાં, તેનું નિર્ધારિત રજિસ્ટર યોગ્ય રીતે નિભાવતા ન હતા. આ રજિસ્ટર રાખવું જિલ્લા મેજિસ્ટ્રેટ, ગોધરાના જાહેરનામા મુજબ ફરજિયાત છે.આથી, શોપના સંચાલક મીહીર સુનીલકુમાર શાહ (રહે. કાછીયાવાડ, કાલોલ) સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS) ની કલમ ૨૨૩ હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાલોલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
