દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. માંડવ ગામના રોડ પરથી વિદેશી દારૂ ભરેલી ઇક્કો ગાડી સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસને બાતમી મળી હતી કે, સિલ્વર કલરની ઇક્કો ગાડીમાં બે ઇસમો વિદેશી દારૂની પેટીઓ ભરીને માંડવ અને ડભવા ગામ તરફથી પંચમહાલ જિલ્લાના ગામો તરફ જઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ઇક્કો ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચાલકે ગાડી ભગાડવાનો પ્રયાસ કરતા પોલીસે બંને ઇસમોને ઝડપી પાડ્યા હતા. ગાડીની તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની માઉન્ટ્સ 6000 ઓરિજિનલ સુપર સ્ટ્રોંગ બીયરની 500 એમએલની કુલ 600 ટીન મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 82,200 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ઇક્કો ગાડી, તેમજ બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 3,42,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં કુલ ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં બે આરોપીઓ ઝડપાયા છે, જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગોલ્લાવ-કોદરીયા ગામના સંજયભાઈ મંગળસિંહ પટેલ અને વાંગરવા ગામના સંજયભાઈ દિનેશભાઈ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે કરશનભાઈ અને દેવગઢ બારિયાના મેઘામુવાડીના રાજેન્દ્રભાઈ સરદારભાઈ પટેલ વોન્ટેડ હોવાનું જાણવા મળે છે. આ કામગીરીમાં સાગટાળા પોલીસની આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. ઝાલા, પીએસઆઈ એસ.ડી. લબાના સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો.
