ઘોઘંબા રાજગઢ પોલીસ સ્ટેશન દ્વારા ઘોઘંબાની એસ.એચ. વરિયા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કાયદાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ, મહિલા સુરક્ષા અને બાળ અધિકારો સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન અપાયું હતું.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ, મહિલા સુરક્ષા, બાળ અધિકારો, ટ્રાફિક નિયમો, કાયદાકીય જોગવાઈઓ અને નશાકારક પદાર્થો (નાર્કોટિક્સ) સંબંધિત કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ખાસ કરીને પોક્સો (POCSO) કાયદા અંગે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બાળકો સાથે થતા જાતીય ગુનાઓથી બચવા માટેની સાવચેતીઓ, અજાણ્યા વ્યક્તિઓથી સતર્ક રહેવાની જરૂરિયાત અને કોઈ અયોગ્ય ઘટના બને તો વિશ્વાસુ વડીલો કે સંબંધિત તંત્રને જાણ કરવા અંગે સમજાવવામાં આવ્યું હતું.આ જાગૃતિ કાર્યક્રમમાં ૫૦૦થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં કાયદાકીય જાગૃતિ વધારવાનો તેમજ સાયબર ગુનાઓ, નશાખોરી, ટ્રાફિક નિયમો અને મહિલા-બાળ સુરક્ષા અંગે સાવચેતી કેળવવાનો હતો.પોલીસ વિભાગના આ પ્રયાસને વિદ્યાર્થીઓમાં કાયદાકીય બાબતો અંગે સમજ અને જાગૃતિ વધારવા માટે આવકારવામાં આવ્યો હતો.
