પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અલાલી ગામમાં ઘરના આંગણામાં રમી રહેલી એક જ પરિવારની 3 માસૂમ દીકરીઓ પર રખડતા શ્વાને અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણેય બાળકીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.અલાલી ગામના ખુમાનસિંહ મગનસિંહ પરમારની પુત્રીઓ ધ્રુવંશી (13 વર્ષ), કાવ્યા (10 વર્ષ) અને ભક્તિ (8 વર્ષ) પોતાના ઘર આંગણે રમી રહી હતી. તે સમયે અચાનક ધસી આવેલા શ્વાને એક બાળકીને હાથના ભાગે જ્યારે અન્ય 2 દીકરીઓને શરીરના પાછળના ભાગે બચકાં ભર્યા હતા. બાળકીઓની બૂમાબૂમ સાંભળીને પરિવારે દોડી આવી તેમને શ્વાનથી બચાવી હતી..ઈજાગ્રસ્ત ત્રણેય માસૂમ બાળકીઓને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. હાલમાં હોસ્પિટલ ખાતે બાળકીઓની સારવાર ચાલી રહી છે.ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો હોવાથી સ્થાનિક લોકોમાં ભારે ભય અને રોષ વ્યાપી ગયો છે. માસૂમ બાળકોના જીવ પર જોખમ ઊભું થતાં ગ્રામજનોએ વહીવટી તંત્ર પાસે રખડતા શ્વાનના આતંકમાંથી મુક્તિ અપાવવા માટે વહેલી તકે કડક પગલાં ભરવાની માંગ કરી છે.
Add A Comment
