ગાંધીનગર: ગુજરાત સરકારે ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરતા તલાટી-કમ-મંત્રી અને મહેસૂલી તલાટીઓની જવાબદારીઓ સ્પષ્ટ કરી છે. બંને કેડરની કામગીરીમાં ગૂંચવણ ન રહે અને ગ્રામજનોને સરકારી સેવાઓ સમયસર મળી રહે તે હેતુથી બંને માટે અલગ-અલગ જોબચાર્ટ નક્કી કરવામાં આવ્યો છે. સરકારના દસ્તાવેજમાં પંચાયત સંબંધિત કામગીરી તલાટી-કમ-મંત્રીને અને મહેસૂલ કાયદા તથા જમીન રેકર્ડ આધારિત કામગીરી મહેસૂલી તલાટીને સોંપવાનો મૂળભૂત સિદ્ધાંત સ્પષ્ટ કરાયો છે.
મહેસૂલી તલાટીની મુખ્ય જવાબદારીમાં જમીનના રેકર્ડ અને સર્વે, સરકારી જમીન, જમીન દબાણ, હદનિશાન, ખાણ-ખનિજ, અશાંત ધારા સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. પેઢીનામું, વારસાઈ અને ખેડૂત ખાતેદાર સંબંધિત કામગીરી તેમજ કુદરતી આપત્તિના સમયે ખેતીના નુકસાનના સર્વે અને સહાયની કામગીરી પણ મહેસૂલી તલાટીની જવાબદારીમાં મૂકવામાં આવી છે.
સરકારના જોબચાર્ટ મુજબ મહેસૂલી તલાટીએ મહેસૂલ વસૂલાત, જમીન સંબંધિત દસ્તાવેજો, વરસાદ અને પાકના અહેવાલ, કૃષિ ગણતરી, ખાસ શરતવાળી જમીનનો ઉપયોગ તથા શરતભંગની કાર્યવાહી જેવી કામગીરી કરવાની રહેશે.
બીજી તરફ તલાટી-કમ-મંત્રી ગ્રામ પંચાયતના સચિવ તરીકેની કામગીરી સંભાળશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી તથા વિકાસલક્ષી યોજનાઓના ગ્રામ્ય સ્તરે અમલીકરણ, પંચાયતના હિસાબ અને વહીવટી રેકર્ડ, વિવિધ પ્રમાણપત્રો, જન્મ-મરણ નોંધણી, લગ્ન નોંધણી અને ગ્રામ પંચાયતની વિવિધ સમિતિઓની કામગીરી પણ તેમના જોબચાર્ટમાં સામેલ છે.
ગામના વિકાસ સાથે જોડાયેલી અનેક જવાબદારીઓ પણ તલાટી-કમ-મંત્રીને સોંપાઈ છે. ગામની સફાઈ, પાણી પુરવઠાનું વિતરણ, સ્ટ્રીટ લાઈટ અંગે દેખરેખ, પંચાયતને સુપરત થયેલા બાંધકામોની જાળવણી, ગ્રામ વિકાસની યોજનાઓની દેખરેખ તથા વિવિધ સરકારી કાર્યક્રમોના અમલીકરણમાં તેમની મહત્વની ભૂમિકા રહેશે.
આ ઉપરાંત ખેડૂતો માટેની વિવિધ યોજનાઓમાં અરજીઓનો નિકાલ, PM-KISAN, PM-VISHVAKARMA, NFSA પાત્રતા ચકાસણી, ઈ-શ્રમ અને ઈ-નિર્માણ કાર્ડ અંગે જનજાગૃતિ જેવી કામગીરી પણ તલાટી-કમ-મંત્રીના જોબચાર્ટમાં સમાવાઈ છે.
આપત્તિના સમયે બંનેની સંકલિત જવાબદારી રહેશે. કુદરતી આપત્તિમાં કૃષિ રાહત પેકેજના સર્વે દરમિયાન તલાટી-કમ-મંત્રીએ મહેસૂલી તલાટીને સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે. પૂરથી ખેતીની જમીનને થયેલા નુકસાનના સર્વે અને સહાયની કામગીરી તેમજ આનાવારી સમિતિની કામગીરીમાં પણ બંને વચ્ચે સંકલન રાખવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
સરકારના આ જોબચાર્ટથી ગ્રામ પંચાયતની કામગીરી અને મહેસૂલી કામગીરી વચ્ચે જવાબદારીની રેખા વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે. ખાસ કરીને જમીન-મહેસૂલના પ્રશ્નો, પ્રમાણપત્રો, સરકારી યોજનાઓ અને ગ્રામ વિકાસના કામો માટે કઈ બાબતે કયા તલાટીનો સંપર્ક કરવો તે અંગે ગ્રામજનોને પણ વધુ સ્પષ્ટતા મળશે.
