કાજર બારીયા (છોટાઉદેપુર)
અવધ એક્સપ્રેસ, તા.૧૫
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર અને રાષ્ટ્રભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે જનરલ હોસ્પિટલના પીડીયાટ્રીશયન ડો. પાયલ રાઠવાના વરદ હસ્તે ગરિમાપૂર્ણ રીતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્રના વાલસિંગભાઈ રાઠવા અને જનરલ હોસ્પિટલના અધિક્ષક ડો. કેવલ મોદીએ પ્રાસંગિક વક્તવ્ય આપી ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કર્યા હતા.જિલ્લા ક્ષય કેન્દ્રના વાલસિંગભાઈ રાઠવાએ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદીની લડતમાં ભાગ લેનારા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, શહીદ મંગલ પાંડે અને તાત્યા ટોપે જેવા નામી સ્વાતંત્ર્ય સેનાનીઓથી તો આપણે સૌ પરિચિત છીએ. પરંતુ, આઝાદીની શરૂઆતી લડતમાં વર્ષ ૧૭૮૫માં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા બિહારના ભાગલપુરના વીર ક્રાંતિકારી તીલકા માંઝી જેવા અનામી શહીદોને પણ આજે યાદ કરવાનો આ અવસર છે.તેમણે વધુમાં છોટાઉદેપુરના ગૌરવશાળી ઇતિહાસનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, ૧૮૫૭ના વિપ્લવ વખતે તાત્યા ટોપેની આગેવાનીમાં લડાયેલી લડતનું છોટાઉદેપુર પણ સાક્ષી રહ્યું છે. સ્થાનિક ઇતિહાસ મુજબ, છોટાઉદેપુર એસ.ટી. ડેપો પાસે આવેલી જગ્યા પર ક્રાંતિવીર તાત્યા ટોપેનો ઘોડો શહીદ થયો હોવાનો ઐતિહાસિક ઉલ્લેખ છે, જે આપણા જિલ્લા માટે ગર્વની વાત છે.આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી દરમિયાન હોસ્પિટલના કર્મચારી ઘનશ્યામભાઈએ મધુર વાંસળી વાદન રજૂ કરીને સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. આ સમગ્ર દેશભક્તિ સભર કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન સિનિયર ક્લાર્ક દિપકભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હોસ્પિટલના અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
