ગોધરા તાલુકાના વિંઝોલ ગામમાં પશુપાલકને આર્થિક ફટકો મારતી એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામના એક ખેડૂત પોતાના પશુઓને ખેતરમાં ચરાવવા લઈ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં આવેલી લાઈટની ડીપી ( નીચેથી પસાર થતી વખતે વીજ કરંટ લાગવાથી તેમની બીજી વેતરની ગાભણ ભેંસનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે સત્તાવાર રીતે જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિંઝોલ ગામના નવાધરા ફળિયામાં રહેતા અને ખેતી તથા પશુપાલનનો વ્યવસાય કરતા ૫૦ વર્ષીય ભલાભાઈ ડાહ્યાભાઈ ચૌહાણ ૧૨ ઓગસ્ટના રોજ બપોરના આશરે બારેક વાગ્યાના સુમારે પોતાની પાંચ ભેંસોને લઈને ચરાવવા માટે ખેતરે જવા નીકળ્યા હતા. આ સમયે તેઓ જ્યારે પોતાના ઘરથી થોડે દૂર રોડ ઉપર આવેલી લાઈટની ડીપી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની ગાભણ ભેંસ અચાનક વીજ પ્રવાહની ચપેટમાં આવી ગઈ હતી. વીજ કરંટ લાગવાના કારણે ભેંસ સ્થળ પર જ ઢળી પડી હતી અને તેનું મરણ થયું હતું.
ઘટના બની ત્યારે ભલાભાઈના ભત્રીજા શૈલેષકુમાર ગણપતસિંહ ચૌહાણ પણ તેમની સાથે જ હતા. પોતાની દુધાળી અને ગાભણ ભેંસ ગુમાવવાના કારણે પશુપાલકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ અકસ્માત અંગે ભલાભાઈ ચૌહાણે કાયદેસરની કાર્યવાહી અને તપાસ માટે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ગોધરા પોલીસે મહિલા હેડ કોન્સ્ટેબલ વિણાબેન બારીઆ મારફતે જાણવાજોગ નોંધ દાખલ કરી છે અને હાલમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મુકેશકુમાર બારીઆ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
