કાલોલ શહેરમાં ગત વર્ષે ચોમાસાના પહેલા જ વરસાદે દિવાનવાડી સ્થિત પાલિકાનો જુનો પાણી પુરવઠાનો સંપ જમીનદોસ્ત ગયો હતો. જે ધ્વસ્ત થયેલા સંપને પાલિકાએ આખું વર્ષ એક પ્લાસ્ટિકની તાડપત્રીથી ઢાંકી રાખીને નગરના વિકાસને ઢાંકી રાખ્યો હતો અને સાફ સફાઈની દરકાર કર્યા વિના દોઢ વર્ષથી ભગ્ન હાલતના સંપની મદદથી પાણી પુરું પાડવામાં આવતું હતું. જે સંપની મંગળવારે હાથ ધરવામાં આવેલ સાફ સફાઈ દરમ્યાન અંદરથી હાડકાં અને હાડપિંજર મળી આવતાં વિકાસની સેવા અને સ્વચ્છતાના લીરેલીરા ઉડી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ શહેરના દિવાનવાડી સ્થિત પાલિકાનો જુનો પાણી પુરવઠાનો સંપ વોર્ડ નં ૨,૩,૬ અને ૭ વિસ્તાર સહિતના અડધા શહેરમાં પાણી પુરું પાડી રહ્યો હતો એ જુનો સંપ ગત વર્ષે ચોમાસુ સિઝનના પ્રારંભે જમીનદોસ્ત થઈ ગયો હતો. ખાસ કરીને સંપના મોરાનો ભાગ ધ્વસ્ત થઈ જતાં તત્કાલીન સમયે પાલિકાની ચૂંટણીમાં નવી ચુંટાઈ આવેલી બોડીએ ટેમ્પરરી સંપની બાજુઓનું સમારકામ કરીને મોરા(ડોમ)ના ભાગે તાડપત્રી ઢાંકીને કામ ચલાવી રાખ્યું હતું. જે તાડપત્રીથી ઢાંકેલા જુના જર્જરિત સંપથી આખુ વર્ષ પુરો પાડવામાં આવતો હતો. આવા દોઢેક વર્ષથી ખુલ્લા સંપની સાફસફાઈનો પ્રશ્ન જાગૃત નાગરિકોએ સ્વાગત કક્ષાએ પણ ઉઠાવ્યો હતો પરંતુ સ્વ વિકાસના નશામાં ભાન ભૂલેલા સત્તાધીશોએ ક્યારેય સાફસફાઈની દરકાર લીધી નહીં. જે મધ્યે તાજેતરમાં પાલિકા દ્વારા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવતા પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ તરીકે પાલિકાના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ પંચાલે પહેલું કામ વિવિધ સંપ અને ટાંકીઓની સાફ સફાઈ કામગીરીનું ઉપાડતાં મંગળવારે જુના ભગ્ન સંપની સાફસફાઈ દરમ્યાન એક બે ટ્રેકટર જેટલો કચરો કાઢવામાં આવ્યો હતો. આ કચરામાંથી કોઈ કોઈ અજાણ્યા પશુના હાડકાં અને હાડપિંજરો પણ મળી આવતાં અડધા નગરને આવું દુષિત પાણી પીવડાવતા તંત્ર અને તંત્રની બેદરકારી સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને જુના સંપનો પાણી પુરવઠો નગરના વોર્ડ નં ૨,૩, ૬ અને ૭ વિસ્તારમાં રહેતા વૈષ્ણવ સમાજના વિસ્તારો પણ હોવાથી નગરજનોની આસ્થા અને આરોગ્ય સાથે ખિલવાડ કરતી પાલિકાની આવી ઘોર બેદરકારી અંગે અરેરાટી અને આક્રોશ વ્યાપી ગયો છે.

કાલોલ દિવાનવાડી સ્થિત જુના સંપની સાફસફાઈ દરમ્યાન કેટલા ટ્રેકટર કચરો નિકળ્યો અને કેટલાં હાડકાં નિકળ્યાં એ વાત નગરમાં પ્રસરી જાય એ પહેલાં કોઈના ફોનને પગલે સંપનો કચરો અને પશુ પક્ષીના હાડકાંનો નિકાલ કરી ઢાંકપિછોડો કરી નાંખવામાં આવ્યો હતો. જોકે ઢાંકપિછોડો કર્યા પછી પણ ઘટના સ્થળેથી બે ચાર હાડકાંના અવશેષો મળી આવ્યા હતા. જ્યારે બીજી નવી ટાંકી નીચેના રૂમમાં બ્લીચિંગના મોટા કારબાઓ પણ મળી આવ્યા છે, જે પાલિકા પોતાની આ ગંભીર ભૂલો છુપાવવા માટે પાણીમાં વધુ પડતું બ્લીચિંગ પાવડર નાખતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. બ્લિચિંગ અંગે લોકોનું કહેવું છે કે આ માત્ર પાણીને ચોખ્ખું દેખાડવા માટેનો ડોળ છે, પણ વાસ્તવમાં તેમાં ગંભીર બીમારીઓ ફેલાવનારા જીવાણુઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કાલોલ પાલિકાની નવી બોડી ફેબ્રુઆરી ૨૦૨૫થી ચુંટાઇ આવી છે અને દિવાનવાડી સ્થિત જુના સંપનો મોરો જુન ૨૦૨૫માં ધ્વસ્ત થઈ ગયો હતો. જે મધ્યે પાલિકાએ નવ કરોડના ખર્ચે નવી પાણી પુરવઠા યોજનાની કામગીરી અમલમાં મૂકી છે પરંતુ નગરમાં પ્રાથમિક જરૂરિયાત મુજબ દોઢ વર્ષથી ધ્વસ્ત થઈ ગયેલા પાણી પુરવઠા સંપની સાફસફાઈ, સમારકામ કે નવીનીકરણનો કોઈ નિર્ણય લેવાયો નથી. જોકે કાલોલ પાલિકાનો વહીવટ નગર નિયોજનથી નહીં પરંતુ ધારાસભ્યના રિમોટ કંટ્રોલથી ચાલતો હોવાને કારણે વિકાસના નામે વલખાં જ હોવાની વાસ્તવિકતા નગરજનોના મુખે ચર્ચાઈ રહી છે.
