મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા પ્રોહિબિશનના અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી બે આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને ઝડપી પાડી સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને મહીસાગર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી.

પ્રથમ કાર્યવાહીમાં એલસીબી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે વિરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી મોહનભાઈ વાલાભાઈ ડામોર (રહે. નવાઘરા મુડસી, તા. મેઘરજ, જિ. અરવલ્લી)ને લંભુ ગામની સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે વિરપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધાયેલ છે.
બીજી કાર્યવાહીમાં એલસીબીને મળેલી બાતમીના આધારે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી ગીરીશભાઈ નારસિંગભાઈ ગરાસીયા (રહે. લીમડીયા, તા. ફતેપુરા, જિ. દાહોદ) તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને બટકવાડા ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ સંબંધિત પોલીસ સ્ટેશનમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મહીસાગર એલસીબી દ્વારા જણાવાયું છે.
